Vishesh News »

ધરમપુરમાં જંગલ જમીન મુદ્દે પ્રાંતને આવેદન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૪ ઃ ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ તેમજ સરપંચ દેવુ મોકાસી અને વન અધિકાર સમિતિ તામછડી મંત્રી માવજીભાઈ સોન્યા ભાઈ રાથડની આગેવાની હેઠળ તેમજ તામછડી- ઢાકવળ વિસ્તારના મોટી સંખ્યામાં આદીવાસી ભાઈઓની સહી સાથે કરાયેલ લેખીત રજુઆતમાં વન અધિકાર કાયદો- ૨૦૦૬ હેઠળ જંગલ જમીન ખેડવા અંગે દાવા અરજી કરેલ છે. જેમાં તામછડી ગામ માં કુલ- ૩૬૬ જેટલી દાવા અરજી કરવામાં આવી હતી. તેમાંથી અંશત; મંજુર થયેલ દાવા ૨૭૩ સામે ૨૬૬ જેટલી રીવીઝન અરજીઓ કરવામાં આવેલ અને ૯૩ દાવા ફાઈલોની કાર્યવાહી ચાલુ પ્રક્રિયામાં છે તેમજ ઢાંકવળ ગામની કુલ- ૨૩૨ જેટલી દાવા અરજી કરવામાં આવી હતી તેમાંથી અંશત, મંજુર થયેલ ૯૭ દાવા સામે રીવીઝન અરજીઓ કરવામાં આવેલ છે.અને ૯૬ દાવા ફાઈલો ની કાર્યવાહી હજુ ચાલુ પ્રક્રિયામાં હોવાની માહિતિ પ્રા થવા પામી છે તે ઉપરાંત વન અધિકાર કાયદો-૨૦૦૬ ની કાર્યવાહી અંગે ૨૦૧૩ માં ગુજરાત નામદાર હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવેલ કે જ્યાં સુધી વન અધિકાર કાયદો-૨૦૦૬ મુજબ કરેલ દાવા અરજીઓનો સંપૂર્ણપણે નિકાલ ન થાય ત્યાં સુધી ગુજરાત નામદાર હાઇકોર્ટે વર્ષ-૨૦૧૧માં આપેલ મનાઈ હુકમ ચાલુ રહેશે. આ મનાઈ હુકમમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે, કે જ્યાં સુધી દાવાઓનો સંપૂર્ણપણે નિકાલ ન થાય ત્યાં સુધી વન વિભાગ દાવા વાળી જમીનમાં પ્લાન્ટેશન, કે અન્ય કોઈ કામગીરી કરશે નહિ. જે બાબતે અગાઉ પણ વન વિભાગ ના કર્મચારીઓને લેખિત તેમજ મોખિક રીતે જાણ કરેલ હોવા છતાં વન વિભાગ ના કર્મચારીઓ કાયદાના નિયમોને નેવે મૂકી પોતાની મરજી મુજબ મનમાની કરી આદિવાસીઓને હેરાન કરી રહ્નાની લેખીત રજુઆતમાં ઉલ્લેખ કરાયો છે તેમજ તામછડી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૬-૦૨-૨૦૨૪ ના રોજ ભારતીય સવિધાનની ૫ મી અનુસૂચી હેઠળનો આદિજાતિ વિસ્તારની અમલવારી કરવા બાબતે ઠરાવ કરેલ હોય, તેમજ ગ્રામસભાના મુદ્દા નંબર-૫ મુજબ વન વિભાગ દ્વારા કરવામાં આવતા પ્લાન્ટેશન બાબતે ચર્ચા કરી વન અધિકાર હેઠળ કરેલ દાવાઓનો સંપૂર્ણપણે નિકાલ ન થાય ત્યાં સુધી વન વિભાગ પ્લાન્ટેશન કે અન્ય કોઈપણ સંસ્થા ગ્રામસભા ની પરવાનગી વગર ગામમાં કોઈપણ પ્રકારની કામગીરી ન કરવા ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરેલ છે. ઉપરોક્ત ગ્રામસભાનો ઠરાવનું ચુસ્તપણે પાલન કરવા વન વિભાગ તેમજ જેતે વિભાગને સુચના આપવા અને વન અધિકાર કાયદો-૨૦૦૬ નું પાલન કરવા રજુઆત કરાયેલ આવેદન પત્રમાં ગ્રામજનો ઍ માંગ કરી છે.