Vishesh News »

અમદાવાદ-મુંબઈ ઍક્સપ્રેસ વેના જમીન મામલે ફણસવાડામાં ખેડૂતોનો વળતર બાબતે વિરોધ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ ઍક્સપ્રેસ હાઇવેમાં ખેડૂતોની જમીનમાં આવેલા ઈમારતી અને જંગલી વૃક્ષનું વળતર ચૂકવ્યા વગર જ ઝાડ કાપવાની ગતિવિધિ થતા આજે સવારે વલસાડના ફણસવાડા ગામે ખેડૂતોઍ ભારે વિરોધ નોંધાવતા અધિકારીઓ અને પોલીસનો કાફલો દોડી જઈ ખેડૂતોને થાળે પાડવાના પ્રયાસો હાથ કર્યા હતા. વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ ઍક્સપ્રેસ હાઈવેમાં ખેડૂતોને જમીનમાં ઇમારતી અને જંગલી ઝાડ કાપવાના વળતર નહીં મળતા તેના વિરોધમાં આજરોજ વલસાડ તાલુકાના ફણસવાડાગામે ખેડૂતો ઍકત્ર થયા હતા. વિરોધ કરી રહેલા ખેડૂતોઍ જણાવ્યું હતું કે ઍક્સપ્રેસ વેના કામ માટે જે ઈમારતી અને જંગલી ઝાડ કાપવાના છે તેનું વળતર ખેડૂતોને મળ્યું નથી અને કેટલા ખેડૂતો ને તો જમીનનું પણ વળતર ચુકવવા માં આવ્યું નથી. જો આ વળતર ચૂકવી દેવામાં આવે તો ખેડૂતોને ઝાડ કાપવા દેવા સામે કોઈ વાંધો નથી. જ્યાં સુધી વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઝાડ કાપવા દઈશું નહીં. વલસાડ ના ફણસવાડા, અટગામ અને મૂળી ગામના ખેડૂતોને વર્ષ ૨૦૨૧થી ઈમારતી અને જંગલી વૃક્ષ છે. તેનો ઍવોર્ડ આપવામાં આવ્યો નથી. કેટલાક ખેડૂતોને ઍવોર્ડ આપી દેવાયો છે. પરંતુ, હજી પણ ૨૧૦થી વધુ ઍવા ખેડૂતો છે જેને તંત્ર તરફથી વળતરની ચૂકવણી કરવામાં આવી નથી. ગામે ઍક્સપ્રેસ હાઈવે ના કામગીરી ખેડૂતો અટકાવી દેતા અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. આવનારા દિવસોમાં સરકાર દ્વારા જબરજસ્તી કરવામાં આવશે તો ખેડૂતો વૃક્ષ સાથે ચીપકી આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.