Vishesh News »

ઉમરસાડી કોસ્ટલ પર ખેપિયાની બેકાબુ કાર અડફેટે યુવકનું મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૨ ઃ પારડી તાલુકાના ઉંમરસાડીગામમાં કોસ્ટેલ હાઇવે પર વોક્સવેગન કાર દમણ થી કારમાં દારૂ ભરી પૂરઝડપે હંકારી આવતા દેસાઈવાડ સ્કોટ કૈસા કંપની પાસે ઍક અજાણ્યા યુવાનને અડફેટે લઇ મોત નિપજાવી કાર ઝાડ સાથે અથડાવી નાસી ગયો હતો. અહીં ઉમરસાડી દેસાઈવાડ કોસ્ટેલ હાઇવે ઉપર ગત રાત્રિના ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે વોક્સવેગન કાર નંબર જી.જે.-૧૫-સી.કે.-૦૯૦૪ ના ચાલકે દમણથી દારૂ ભરી પૂર ઝડપે હંકારી લાવી સ્કોટ કૈસા કંપની સામે ઍક અજાણ્યા યુવાનને અડફેટે લેતા મોત નિપજાવી નાસી ગયો હતો. જયારે વોક્સવેગન કાર રોડના સાઈડે આવેલ ઝાડ સાથે ધડાકા સાથે અથડાતા કારનો ખુરદો બોલાઈ ગયો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ પારડી પોલીસને કરતા સ્થળ ઉપર આવી પહોંચી હતી. જ્યાં તપાસ કરતા કારના બાજુમાં ઍક અજાણ્યો યુવાનને ગંભીર ઈજાને પગલે સ્થળ ઉપર મૃત હાલતમાં મળી આવ્યો હતો. આસપાસ તપાસ કરતા કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પારડી પોલીસે કારમાં તપાસ કરતા ડીકી તથા સીટના ભાગે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૨૭ નંગ બોક્સમાં ૧૧૩૭ નંગ દારૂની બોટલ જેની કિંમત રૂ. ૭૦,૬૦૦નો જથ્થો અને કાર સહિત કુલ રૂ. ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પારડી પોલીસે અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષનો યુવાનની લાશનો કબજો લઈ પીઍમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી જ્યારે આ કાર કોની છે કાર ચાલક કોણ હતો. જે અંગેની પારડી પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો પૂર ઝડપે કાર હંકારતા અન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે. ત્યારે કાર ચાલક અજાણ્યા યુવાનનું મોત નીપજાવી સ્થળ ઉપરથી નાસી જતા પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને આ અજાણ્યો મૃતક યુવક કોણ છે તે હજી જાણી શકાયું નથી. જે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવશે.