Vishesh News »

ઉમરગામમાં બ્રહ્માકુમારીઝ દ્વારા મહિલા સ્નેહમિલન યોજાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૨ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ઉમરગામ ભગિની સમાજના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું. સ્નેહમિલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલા જનસમૂહને સેવાકેન્દ્ર ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ચેતનાબેને મહિલા અને પારિવારિક મૂલ્યો વિષય પર, હોમિયોપેથ ડૉ. સેજલ નારગોલવાળાઍ મહિલા અને આરોગ્ય વિષય પર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના અનેક ઍવોર્ડ વિજેતા શિક્ષિકા જેસલબેન શાહે મહિલા અને શિક્ષણ વિષય પર તેમ જ વાપીના સુવિખ્યાત ઍડવોકેટ અને નોટરી કુ. રશ્મિકાબેન મહેતાઍ મહિલા અને કાનૂન વિષય પર મહિલાઓને સંબોધિત કરી માર્ગદર્શન આપ્યું હતું. બ્રહ્માકુમારી ચેતનાબેને મહિલા અને પારિવારિક મૂલ્યા વિષય પર બોલતાં કહ્નાં કે સ્ત્રી પરિવારનું મૂળ હોય છે. સ્ત્રી જ પરિવારને ઍક સૂત્રે બાંધી રાખી શકે છે. ઍક રાષ્ટ્રના પરિવારો સુસંસ્કૃત, સુસભ્ય અને શિક્ષિત હશે તો ઍ રાષ્ટ્ર પણ સુસભ્યતા વાળો હશે. સહયોગી સંસ્થા ભગિની સમાજના પ્રમુખ ડૉ. શ્યામાબેન ગાંધીઍ મુખ્ય અતિથિ પદેથી જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં માતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, પિતૃદેવો ભવ અને અતિથીદેવો ભવ કહેવામાં આવ્યું છે. ઍડવોકેટ રશ્મિકાબેને મહિલા અને કાનૂન વિષય પર માર્ગદર્શન આપતાં જણાવ્યું કે મહિલાઓને સંબંધિત ૫૦ થી ૬૦ કાયદા અસ્તિત્વમાં છે. ઍમણે ઘરેલુ હિંસા કાનૂન, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કાનૂન જેવા કાનૂન વિષે સમજુતી આપી. પોલિસ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી મહિલાને થાણામાં બોલાવી શકે નહીં. મહિલા અને શિક્ષણ વિષય પર બોલતાં જેસલ બેને મહિલાઓને અનુરોધ કર્યો કે પોતાના બાળકોને અને ખાસ કરીને બેટીઓને જરુર ભણાવજો. આજે સ્ત્રીનું શિક્ષિત હોવું ખૂબ જરૂરી છે. ઍમણે ઉપયોગી પેરેન્ટિંગ ટીપ્સ પણ આપી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓઍ સ્નેહમિલન ના આયોજનને બિરદાવ્યું હતું.