Vishesh News »

બીલીમોરા અને ગણદેવી તાલુકામાં બોર્ડ પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૧૧ ઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો સોમવાર સવારે પ્રારંભ થયો હતો. જેમાં ગણદેવી, બીલીમોરા અને અમલસાડ કેન્દ્રો ઉપર પ્રથમ પેપર આપવા જતાં પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક અને ગુલાબનું ફૂલ આપી ભવ્ય સ્વાગત કરાયું હતું. જેને કારણે સાનુકૂળ માહોલ સર્જાયો હતો. પરીક્ષાર્થીઓમાં પરીક્ષા નો ડર દૂર થયો હતો. અગ્રણીઓ, વાલીઓ અને શુભેચ્છકોઍ અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી. જે સાથે વિદ્યાર્થીઓઍ હોંશે હોંશે આત્મવિશ્વાસથી પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો બહાર મોટી સંખ્યામાં વાલી અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા પોલીસ તંત્રે ખડે પગે સેવા બજાવી હતી.