Vishesh News »

આછવણીમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)) ખેરગામ, તા. ૧૧ : આછવણીના પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. આ ઉજવણીના ઉપલક્ષમાં ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં પંચકુંડી મહારુદ્ર યજ્ઞ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય અનિલભાઇ જોષી, કશ્યપભાઇ જાની, ચિંતનભાઇ જોષી અને હર્ષ જાનીઍ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી. હજારો શિવભક્તોઍ પ્રગટેશ્વર દાદાના દર્શન કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમ સ્થળે વિધવા મહિલાઓને ધાબળા અને વિવિધ ગામોમાં જઇ સાડીનું વિતરણ કરાયું હતું. ધર્માંચાર્ય પરભુદાદાના હસ્તે યજ્ઞના યજમાન અને પદયાત્રીઓ સહિત શિવ પરિવારને ચલિત શિવલિંગ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.આ ઉજવણી અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ નાશિક-મહારાષ્ટ્રના શિવભક્તોની નાશિક રામકુંડમાંથી ગોદાવરી નદીનું તેમજ જ્યોર્તિલિંગ ત્ર્યંમ્બકેશ્વર કુશાવ્રત કુંડ તીર્થથી પવિત્ર જળ કાવડમાં લઇ નીકળેલી પદયાત્રા મહાશિવરાત્રીની પૂર્વસંધ્યાઍ પ્રગટેશ્વરધામ આછવણી ખાતે આવી પહોંચતાં પ્રગટેશ્વર દ્વાર પાસે ભવ્ય સ્વાગત કરી શોભાયાત્રા કાઢી મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. આ અવસરે -ગટેશ્વર સેવા સમિતિના સભ્યો અને શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.