Vishesh News »

વલસાડ- ડાંગ બેઠક પર કોîગ્રેસના ઉમેદવાર તરીકે અનંત પટેલ !

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.૮ ઃ આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપવા માટે ગઈ કાલે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. ત્યારે આજ-કાલમાં કોંગ્રેસ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. જાણકારી મુજબ રાહુલ ગાંધી વાયનાડથી ફરીથી ચૂંટણી લડશે તે અંગે સહમતિ બની છે. આ સાથે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. જો ગુજરાતની વાત કરવામા આવે તો લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં ત્રણ લોકોને ફોન કરીને જાણ કરી હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પક્ષે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાઇ છે, તો વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ છે. આ સાથે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણાને પણ જાણ કરાઈ છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહીં નોંધવું ઘટે કે, ગયા અઠવાડિયે ભાજપે લોકસભા ચૂંટણી માટે ૧૯૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી માટે ભાજપે ૧૫ ઉમેદવારોની જાહેરાત કરી હતી અને હવે ૧૧ ઉમેદવારોની બીજી યાદી ગમે ત્યારે જાહેર થાય તેમ છે. અને ભાજપમાંથી વલસાડ-ડાંગ સંસદીય બેઠક પર કોનું નામ ઉમેદવાર તરીકે જાહેર થાય છે ઍની પ્રતિક્ષા થઈ રહી છે.