Vishesh News »

પલસાણામાં મહાશિવરાત્રીના ત્રિદિવસીય મેળાની શરુઆત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૮ ઃ પારડી તાલુકાના પલસાણાગામમાં આજરોજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ત્રણ દિવસીય મેળાની ભવ્ય શરૂઆત થઈ છે. લાખોની સંખ્યામાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા અને શ્રદ્ધાના પુષ્પ અર્પણ કર્યા હતા. અહીં પલસાણાગામમાં આવેલ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં જે ગંગાજીના તીર્થધામ તરીકે પ્રચલિત છે ત્યાં આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતાં. તથા મેળામાં મનોરંજનના તમામ સાધનો જેમકે મોત કા કૂવા, ચગડોળ વગેરેના આનંદ સાથે ખરીદી કરી હતી. રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ સહિત ઍમના પરિવારજનો મંદિરની દેખરેખ સાથે મેળાની દેખરેખ માટે ઉપસ્થિત રહ્ના હતા. પલસાણા ગામના સરપંચ રાધિકાબેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેળામાં આવનારા લોકોને સેફટી મળી રહે ઍ માટે ફાયર બ્રિગેડની, આરોગ્યની, પોલીસની સુવિધા રાખવામાં આવી છે. તથા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. પારડીના પોલીસ ઇન્સ્પેક્ટર જી આર ગઢવી વહેલી સવારથી જ પોતાના પોલીસ સ્ટાફને દરેક પોઇન્ટ પર તૈનાત કર્યા હતા.