Vishesh News »

કછોલીમાં મહાશિવરાત્રીના મેળામાં પીંડી કંદમૂળના પ્રસાદનું અનોખું મહત્વ

(અશોક જાશી, બીલીમોરા) બીલીમોરા, તા. ૦૭ ઃ ગણદેવીના કછોલીગામે ગંગેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીઍ પ્રાચીનકાળથી મેળામાં સેંકડો શ્રદ્ધાળુઓ ઊમટે છે. અહીં અંબિકાનદી કાંઠે શિવદર્શન, ભાતીગઢ લોકમેળા સાથે સેંકડો પરિવારો પિતૃ તર્પણ કરી પિતૃઓના આશીર્વાદ પ્રા કરે છે. વર્ષમાં ફક્ત ઍક જ વાર મળતાં કંદમૂળ પીંડીને પ્રસાદ સ્વરૂપે આરોગે છે. ગણદેવી તાલુકાના કછોલી ગામે અંબિકા નદી કાંઠે ગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીં શિવજીનું રુદ્રાક્ષ આકારનું શિવલિંગ છે. જેના દર્શન માત્રથી ભક્તોની આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે. અહીં અંબિકા નદી પૂર્વાભિમુખ ઝરણું વહે છે. જેને ગંગા સ્વરૂપ માનવામાં આવે છે. નજીકમાં સ્મશાનઘાટ છે જ્યાં આદિકાળથી શિવરાત્રીઍ પિતૃતર્પણ કરવામાં આવે છે. પિતૃતર્પણ કરવાથી પિતૃઓને અક્ષયતૃ મોક્ષ મળે છે .અહીં લોક સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખતો ભાતીગળ મેળો ભરાય છે. ખાણીપીણીના સ્ટોલ, રમકડા, સેંકડો ચીજવસ્તુઓ, ભરચક ભીડ સાથે શ્રદ્ધાળુઓ મેળાને મન ભરીને માણે છે. આ મેળામાં કંદમૂળ પીડી મળે છે. ભગવાન રામે આ કંદમૂળ પીડી વનવાસ વેળા આરોગ્યા હોવાની લોકવાયકા પ્રચલિત છે. શિવરાત્રીઍ માત્ર ગંગેશ્વર મેળામાં જ મળતાં પીડી કંદમૂળને ભક્તો પ્રસાદ સ્વરૂપે આરોગે છે. ગણદેવી તાલુકાના સોનવાડી, ખખવાડા, કોલવા, વેગામ, ગડત જેવા અનેક ગામોમાં ખેડૂતો આંતરપાક સ્વરૂપે પીડી નું વાવેતર કરતા હોય છે વેલા પ્રજાતિના કંદમૂળ ૧૦ મહિનાની મહેનત બાદ તૈયાર થાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં વેલા-પાન સુકાતા ફળ તૈયાર થાય છે. જમીન નીચે દોઢ બે ફૂટ ખોદકામ કરી પીડી કાઢવામાં આવે છે. જે દોઢસોથી બસ્સો ગ્રામ વજન ધરાવે છે પીડી બાફીને પણ અહીં વેચવામાં આવે છે.