Vishesh News »

વાપીમાં ઔદ્યોગિક વપરાશના પાણીના દરોમાં રૂ. ૧૨.૫૦ નો ઘટાડો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૬ ઃ વાપી નોટિફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્ટની આજે મળેલ બેઠકમાં ૯૮ કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું સાથે ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટેના પાણીના દરોમાં ૧૨.૫૦ રૂપિયાનો ઘટાડો તેમજ ડુંગરા ગારમેન્ટ ઝોન વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી ચણોદ કોલોની વિસ્તારના તમામ રસ્તાઓ નવા બનાવવા તેમજ અંબામાતા મંદિર સર્કલથી કોપરલી તરફ જતા માર્ગ ઉપરના દબાણો હટાવી ફરીથી દબાણ ન થાય તેની કાળજી રાખવા માટેના મહત્વના નિર્ણયો લેવાયા. પ્રા વિગત મુજબ આજે વાપી નોટિફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક બોર્ડના ચેરમેન હેમંતભાઈ પટેલની અધ્યક્ષતામાં વાપી જીઆઇડીસી નોટિફાઇડ કચેરી ખાતે મળી હતી જેમાં આગામી વર્ષનું નોટિફાઇડ વિસ્તારનું બજેટ રૂ. ૯૮ કરોડનું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું સાથે આ બેઠકમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પાણીના દર ઓછા કરવા માટેની કાયમી બૂમરાણ થઈ રહી હતી. જે અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે અને રૂ. ૧૨.૫૦ નો ઘટાડો કરી હવે નવો દર તા. ૧-૪-૨૦૨૪ થી રૂ. ૫૫.૫૦ પર કે.ઍલ રહેશે. જ્યારે સાથે રેસિડેન્ટ વિસ્તારમાં પણ પાણીના ભાવ ઓછા કરવામાં આવ્યા છે. જ્યારે વાપીના ડુંગરા ગારમેન્ટ ઝોનમાં પીવાના પાણીની નવી પાઇપલાઇન નખાશે સાથે ચણોદ કોલોની વિસ્તારમાં આવેલ તમામ રસ્તાઓ નવા બનાવાશે સાથે અંબામાતા મંદિર સર્કલથી કોપરલી તરફ જતા માર્ગ ઉપર થયેલા દબાણો હટાવી તે ફરીથી ન કરાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે સાથે વાપી જીઆઇડીસીના ગાર્ડનની દિવાલની બાજુમાં ગેરકાયદે ઉભા કરવામાં આવેલા કેટલાક લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને પણ હટાવી અહીં ટ્રાફિકની સમસ્યા પણ હલ કરવામાં આવશે જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આજની આ બેઠકમાં ચેરમેન હેમંતભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, કલ્પેશભાઈ વોરા, ચેતન્યભાઈ ભટ્ટ, સુરેશભાઇ પટેલ, શરદભાઈ દેસાઈ અને સરકારના પ્રતિનિધિ તરીકે અશોકભાઈ ધોડી, વાપી નોટિફાઇડના ચીફ ઓફિસર દેવેન્દ્રભાઈ સગર, ડેપ્યુટી ઇજનેર ઍમ.ઍમ. સુરતી અને હરીશભાઈ ડાંગર સહિતના ઉપસ્થિત રહ્ના હતાં.