Vishesh News »

ચલા ગાર્ડન પાલિકાના રાજમાં અસુરક્ષિત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૬ ઃ વાપીના ચલા ખાતે આવેલા પાલિકાના ગાર્ડનમાંથી બિયરના ટીન મળી આવતાં અસામાજિક તત્વો અને દારૂડિયાઓ માટે સેફપ્લેસ બન્યું છે. સુરક્ષાનો અભાવ હોવાની અગાઉ અનેક બુમરાણ ઉઠી છે, જે હજુ પણ યથાવત રહેવા પામી છે. ગાર્ડનની દેખરેખ રાખવામાં તેમજ તેની જાળવણી કરવામાં પાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે.માત્ર રૂ.૧૦માં ગાર્ડનમાં ઍન્ટ્રી મેળવ્યા બાદ ગાર્ડનમાં મુલાકાતીઓ શું કરી રહ્નાં છે તે જોનારૂ કોઈ નહીં હોવાથી લવબર્ડ્સ તેમજ અસામાજિક તત્વો અને દારૂડિયાઓ માટે આ જગ્યા સ્વર્ગસમાન બની ગઈ છે. વાપી ચલાના સભ્ય સમાજના નાગરિકો હાલમાં જ ગાર્ડનમાં ફરવા માટે ગયા હતાં. જ્યાં ડસ્ટબીનમાંથી બિયરના ખાલી ટીનો તેમજ કાળા કલરની પોલીથીનમાં નોન વેજ ફેંકેલા મળી આવ્યા હતાં. જેના લીધે અહીં ફરવા માટે આવતાં લોકોની લાગણી દુભાઈ હતી. ગાર્ડનમાં વહેલી સવારે તેમજ સાંજે આવતાં મુલાકાતીઓમાં સવિશેષ મહિલાઓ હોવાથી આવી સ્થિતિમાં તેમની સલામતીનો સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પાલિકા દ્વારા આ દિશામાં સત્વરે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વગર મુલાકાતીઓના કારણે ગાર્ડનને ખંડેરમાં રૂપાંતરીત થતાં વાર નહીં લાગે.