Vishesh News »

ઉમરગામ પાલિકાનું બજેટ મંજુર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૫ ઃ ઉમરગામ નગરપાલિકા સભાખંડમાં મંગળવારના રોજ બપોરે ૧ઃ૦૦ વાગે વર્ષ ૨૦૨૪ ૨૫ ના અંદાજપત્ર રજૂ કરવા પ્રમુખ મનીષ રાયની અધ્યક્ષતામાં ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સૌ કોર્પોરેટરોનું બજેટની સભામાં સ્વાગત કર્યા બાદ પ્રમુખ સ્થાનેથી વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં દર્શાવેલ અંદાજિત આવક અંદાજિત ખર્ચ અને ઉઘડતી સિલકની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ૧-૪-૨૦૨૪ ની ઉઘાડતી સિલક ૨૪૩૭૪ ૦૦૦, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ની અંદાજિત આવક ૨૪,૮૧૮૫૦૦૦, અને અંદાજિત ખર્ચ ૨૬૮૬૨૨૪૦૦ જ્યારે ૩૧-૩-૨૦૨૫ની બંધ સિલક ૨૪૯૬૭૪૦૦ દર્શાવાય છે. ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય દ્વારા રજુ કરાયેલ અંદાજપત્ર અને ઉપસ્થિત કોર્પોરેટર સર્વ સંમતિથી મંજૂરી આપી હતી. જોકે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની સુવિધાનો સમાવેશ કરવા બજેટમાં જોગવાઈ કરાશે ઍવી નગરજનોને આશા હતી પરંતુ ૩૦ હજારની વસ્તી ધરાવતા ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા તંત્ર તરફથી આરોગ્ય સુવિધાના નામે મીંડું છે અગાઉ મુખ્ય બજાર વિસ્તારમાં ઓપીડીની સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ સીઍચસીના નિર્માણ બાદ ઉમરગામ ટાઉન વિસ્તારમાં ઓપીડી સુવિધા બંધ કરી દેવાય છે. પાલિકા તંત્ર દ્વારા બજેટમાં જોગવાઈ કરી વોર્ડ નંબર ૧ થી ૪ ના દર્દીઓને સામાન્ય બીમારીમાં ઘર આંગણે નિષ્ણાતોની સુવિધાનો લાભ મળી રહેશે. ઍવી નગરજનોને આશા હતી પરંતુ બજેટ રજૂ થતા જ નગરજનોની આશા પર પાણી ફરી વળ્યું છે કોઈ નવા સુધારા વધારા કે નવી સુવિધાઓ માટે બજેટમાં કોઈ વધારાની જોગવાઈ કરવામાં આવી નથી. જે દર્શાવે છે કે પાલિકાના સત્તાધીશો પાસે નગર પાલિકા વિસ્તારમાં જરૂરિયાતની સુવિધાઓ અને નગરજનોની સુખાકારી માટે ખૂટતી સેવાઓ અંગે જાણકારી નથી અથવા તો બજેટમાં કયા વિષયને કેટલું મહત્વ આપવું તે અંગેનું વિઝન નથી. જો અંદાજપત્ર રજૂ કરવા પહેલાં નગરના બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કર્યા બાદ પાલિકા વિસ્તારમાં જન સુખાકારી માટે જરૂરિયાતની સુવિધાઓ બહાલ કરવા બજેટમાં જોગવાઈ કરવા પ્રયાસો થવા જોઈઍ જેથી કરી નગરજનોની મૂળભૂત સુવિધાઓ માટે બજેટમાં જોગવાઈ કરી શકાય.