Vishesh News »

ખેરગામ તાલુકાના પાંચ ગામોના રસ્તાનું નવીનીકરણ થશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૪ ઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય ઍ પહેલા સરકાર દ્વારા મતદારોને મનાવવા માટે મંજુર થયેલા વિકાસના કામોની ખાતમુહૂર્ત વિધિ જોરશોરથી કરવામાં આવી રહી છે. જેમાં ખેરગામ તાલુકાના પાંચ જેટલા ગામોમાં રૂપિયા ૫.૧૩ કરોડના કામોની ખાતમુહૂર્ત વિધિ ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી જેને લઇ કાર્યકરો અને ગામના રહીશોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ખેરગામને તાલુકાનો દરજજો મળ્યા બાદ તાલુકાના ગામોનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્ના છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી યોજાનાર હોય ત્યારે ખેરગામ તાલુકાના કેટલાક ગામોમાં રસ્તાના કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા જે ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રસ્તાના કામોની ખાતમુહૂર્ત વિધિ ગામેગામ યોજવામાં આવી રહી છે. જેમાં પાટી બલ્લાબારી રોડ ૧.૮ કી.મી નો જે ૪૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે કાકડવેરી પાટી રોડને જોડતો તોરણવેરા પાટી ખટાણા રોડ ૪.૪૦ કિ.મી જે ૧.૬૩ કરોડના ખર્ચે, ખેરગામ મિશન ફળિયા રોડ સાડા પાંચ કિ.મી નો જે ૧.૫૦ કરોડ તથા આછવણી આહિર ફળીયા રોડ ૨.૨૦ કી.મી ૬૦ લાખ અને ખેરગામ પીઠા રોડ ૩.૬૦ કી.મી જે રૂપિયા ૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ત્યારે આ પાંચ ગામોમાં બનનારા રસ્તાના કામોની ખાતમુહૂર્ત વિધિ ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. જેને લઇ ગામના રહીશો અને કાર્યકરોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્નાં છે.