Vishesh News »

નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા સાપુતારામાં રોપ-વે પ્રોજેકટની મોકડ્રીલ યોજાઇ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) આહવા, તા. ૦૩ : ગત તારીખ ૨૯મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ સાપુતારા ટેબલ પોઇન્ટ, વૈતી રોપ-વે ખાતે વાર્ષિક મોક અભ્યાસ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તેમજ ઍન.ડી.આર.ઍફ. ટીમ દ્વારા ટેબલ ટોપ ઍક્સરસાઇઝ કરવામાં આવી હતી. જેમાં આસી. કમાન્ડર શ્રી રાકેશ દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ દ્વારા કરવામા આવતી કામગીરીની સમજુતી આપવામાં આવી હતી. ત્યાર બાદ ટેબલ પોઇન્ટ, વૈતી રોપ-વે ખાતે આયોજન મુજબ રોપ-વે માં ફસાઇ ગયેલા પ્રવાસીઓને રેસ્ક્યુ ટ્રોલી દ્વારા રેસક્યુ કરવા અંગેની મોકડ્રીલ તેમજ ડેમોસ્ટ્રેશન કરી બચાવની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ વાર્ષિક મોકડ્રીલ યોજવા પાછળ સરકારનો મુખ્ય હેતુ પ્રવાસન સ્થળોઍ સંભવિત દુર્ધટનાઓના તાત્કાલિક નિવારણ, તેમજ પ્રવાસન સ્થળોઍ ચાલતી વિવિધ પ્રવુત્તિઓની સલામતી તેમજ સુરક્ષાને ધ્યાને રાખી મોકડ્રીલનું આયોજન કરવામાં આવતુ હોય છે. આ પ્રસંગે ૬-બટાલીયન નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સના આસીસ્ટન્ટ કમાંડર રાકેશ, સાપુતારા નોટીફાઇડ ઍરીયા કચેરીનાં તત્કાલીન ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવ, ઇ.ચા. મામલતદાર (ડીઝાસ્ટર) ઍસ.કે.ચૌધરી, ડી.પી.ઓ. (ડીઝાસ્ટર) ચિંતન પટેલ, પોલીસ અધિકારી મહેશ ઢોડીયા, ઍસ.ડી.આર.ઍફ.ના પો.સ.ઇ. આર.વી.ગામિત તથા મેડીકલ, ફાયર તથા ડી.જી.વી.સી.ઍલ. નાં સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.