Vishesh News »

રામોત્સવ માટે આપણે સજ્જ છીએ પણ…

राम रामेति रामेति, रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥ આ શ્લોકમાં શિવજી પાર્વતીને કહે છે કે ભગવાન રામનું એક નામ જ વિષ્ણુના હજારો નામ બરાબર છે. જો કે રામ અને વિષ્ણુ જુદા તો નથી પણ આ શ્લોકમાં રામનામનું મહત્વ સમજાવ્યું છે. જગતના અતિઉચ્ચ અને સર્વોચ્ચ ગુણોનો સરવાળો એટલે શ્રીરામ. કલ્પના ન કરી શકાય એવું ચરિત્ર એટલે શ્રીરામ. જગતમાં કદાચ જ જોવા મળે એવું વ્યક્તિત્વ એટલે શ્રીરામ. મુશ્કેલી સહન કરીને, ઠોકર ખાઈને દુઃખ ભોગવીને દેવ બનનાર વ્યક્તિ એ શ્રીરામ છે. શ્રીરામનું મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ ગયું છે અને તારીખ 22 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વ એ અપ્રતિમ ઘડીનું સાક્ષી બનશે જ્યારે ભગવાન એ મંદિરમાં આસનસ્થ થશે. કદાચ વિશ્વમાં આ એક માત્ર મંદિરનો એવો ઉત્સવ હશે કે જેની ઉજવણીમાં સમગ્ર વિશ્વ સહભાગી થશે. આપણા ભારત દેશમાં તો તે દિવસે જાણે દિવાળી કરતા પણ મોટો ઉત્સવ હોય એવું આયોજન થઈ રહ્યું છે. ગામડે - ગામડે, ઘરે-ઘરે ભગવાન શ્રીરામનો ઉત્સવ ઉજવવા માટેનો ઉત્સાહ અને ઉમંગ અનેરો જોવા મળી રહ્યો છે. પ્રત્યેક ગામ પ્રત્યેક ઘર અને પ્રત્યેક વ્યક્તિ આવનારા દિવસોમાં રામમય થઈ જશે. રંગોળી, શોભાયાત્રા, ભોજન-પ્રસાદની વ્યવસ્થા સમગ્ર ભારતનાં ખૂણે ખૂણે થઈ રહી છે. આમ તે દિવસે ભારતની પ્રત્યેક વ્યક્તિનાં તનમાં અને મનમાં શ્રીરામ સંક્રાંત થશે. 22 જાન્યુઆરીએ આપણે સૌ ખરેખર જ અદ્ભૂત પ્રસંગના સાક્ષી થઈ રહ્યા છીએ. પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું માત્ર એક દિવસે ઉત્સવ ઉજવવાથી રામ પ્રસન્ન થશે ? શું રામને આ ઉત્સવની આવશ્યકતા છે? આપણે રાવણ નથી કે શ્રીરામનો વિરોધ કરીએ પણ ભગવાન રામના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરીને એ વિચારીએ કે ભગવાનની મૂર્તિ મંદિરમાં પ્રસ્થાપિત થઈ રહી છે તે ગૌરવ, આનંદ અને સૌભાગ્યની ઘડીના આપણે સાક્ષી થઈ રહ્યા છીએ તે અહોભાગ્ય માત્ર એક જ દિવસ પૂરતું કે? માત્ર મંદિરમાં રામ બેસી જાય એટલે બસ કે? માત્ર એક દિવસે ઉજવણી થઈ જશે એટલે રામની ભક્તિ પૂર્ણ થઈ કહેવાય કે? અયોધ્યામાં થઈ રહેલી આ ઉજવણી થવી જ જોઈએ. રામનું પ્રગટીકરણ સમગ્ર ભારતમાં થવું જ જોઈએ પણ રામ માત્ર મંદિર કે મૂર્તિ પૂરતા સીમિત નથી. કારણ કે રામ આપણા જેવા સામાન્ય મનુષ્યને સમજાવે છે કે જો મનુષ્ય ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખે તો દેવ બની શકે છે. રામે વિચારોમાં, વિકારોમાં અને વ્યવહારમાં કોઈપણ કામમાં મર્યાદા છોડી નથી તેથી જ રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. પુત્ર, મિત્ર, ભાઈ, પતિ, શિષ્ય અને શત્રુ તરીકે તો ખરા જ પણ શિષ્ય અને ગુરુ તરીકે પણ રામને આદર્શ ગણવા જ જોઈએ. માતૃપિતૃભક્તિ એ રામના જીવનનો સૌથી મોટો ગુણ છે. માત્ર માતાપિતાની ઈચ્છાપૂર્તિ માટે ૧૪ વર્ષનો વનવાસ અને સામે ચાલીને દુઃખોને સહન કરવાની હૃદયની ઉદારતા એ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકનારી આ પેઢીને સમજાય તો જ સાચી રીતે રામનો ઉત્સવ ઉજવ્યો કહેવાય ને ! મંદિરની જેમ આપણા હૃદયમાં પણ રામની સ્થાપના થવી જોઈએ ને ! સોશિયલ મીડિયામાં રામનું સ્ટેટસ ગોઠવવાની સાથે સોશિયલી રામનું જીવન પણ સમજાવવાનો પ્રયત્ન થયો હોત તો આ ઉત્સવની ઉજવણી વધારે સાર્થક બની હોત ! રામમંદિર માટે શોભાયાત્રામાં વિદ્યાર્થી તરીકે સામી પરીક્ષાએ પરીક્ષાની તૈયારી છોડીને માત્ર નાચવા-કૂદવા માટે ભેગા થઈશું ત્યારે આપણે રામના કાર્યનિષ્ઠાના ગુણનો અનાદર તો નથી કરતા ને ? અયોધ્યામાં રામમંદિરમાં રામની સ્થાપના એ વિશ્વના મોટા ઉત્સવના આપણે સાક્ષી બની રહ્યા છીએ ત્યારે રામની મૂર્તિની સ્થાપના હૃદય મંદિરમાં પણ કરવા માટેનો પ્રયત્ન થવો જોઈએ. કેટલાંય વર્ષોના પ્રયત્નો પછી અયોધ્યામાં ભગવાન રામ પુનઃ બિરાજમાન થઈ રહ્યા છે તો આપણાં જીવનમાં પણ આજથી શરૂ કરીશું તો આવનારા કેટલાંય વર્ષો પછી રામની મૂર્તિ હૃદય મંદિરમાં પ્રસ્થાપિત કરી શકીશું. કદાચ 22 તારીખનો ઉત્સવ સમગ્ર ભારતમાં રામને સમજવા-સમજાવવાનો અને જીવનમાં ઉતારવાનો ઉત્સવ બની જાય તો ભવિષ્યમાં રામનો એકાદ ગુણ આપણા જીવનને રામની જેવી ઉચ્ચતા અપાવી જ શકે ને !! ચાલો, ભારતની અયોધ્યાના મંદિરમાં રામોત્સવ કરવાની સાથે સાથે ભરતપુત્ર પ્રત્યેક મનુષ્યનાં હૃદયમંદિરમાં પણ રામોત્સવ કરવા સજ્જ થઈએ. બોક્સમાં લેવું માતૃપિતૃભક્તિ એ રામના જીવનનો સૌથી મોટો ગુણ છે. માત્ર માતાપિતાની ઈચ્છાપૂર્તિ માટે ૧૪ વર્ષનો વનવાસ અને સામે ચાલીને દુઃખોને સહન કરવાની હૃદયની ઉદારતા એ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકનારી આ પેઢીને સમજાય તો જ સાચી રીતે રામનો ઉત્સવ ઉજવ્યો કહેવાય ને !