Vishesh News »

વાપી તાલુકાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું કોમ્બીંગ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા.૦૩ ઃવલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ વાપી તાલુકામાં આવતા અનેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરતા ૨૨ ઘરોમાંથી દારૂનો જથ્થો તેમજ ૪૮ જેટલા ઇસમો કોઈપણ જાતના પુરાવા આપ્યા વગર રહેતા હતા અને ૪૯ વાહન ચાલકોને ઍક્ટ હેઠળ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાપી વિભાગના ડીવાયઍસપી બી. ઍન. દવે તેમજ વાપી ટાઉન, ડુંગરા અને ઉદ્યોગ નગર પોલીસ મથકના પીઆઈ તેમજ તેમની ટીમ દ્વારા વાપીના ડુંગરા કરવડ તેમજ અન્ય વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ૨૨ જેટલા ઘરોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે ઉપરોક્ત વિસ્તારોમાં આવેલ કેટલીક ચાલીઅોમાં ૪૮ જેટલા ઈસમો કોઈપણ જાતની ઍનઓસી આપ્યા વગર રૂમમાં રહેતા હતાં. તેઓની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાથે કેટલાક વિસ્તારોમાં જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા તેમજ સેફટીના સાધનો ન હતા તેવા રૂમ માલિકો તેમજ દુકાનદારો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેવી જ રીતે વાહન ચેકિંગ દરમિયાન ૪૯ જેટલા વાહનચાલકો સામે ઍમવી ઍક્ટની કલમ ૨૦૭ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી આજની આ કાર્યવાહીમાં ઍલસીબી ઍસઓજી તેમજ વાપી ટાઉન વાપી ઉદ્યોગ નગર અને ડુંગરા પોલીસ મથકના આઠ પીઆઈ, ૧૪ પીઍસઆઇ અને ૧૦૫ પોલીસ જવાનોની ટીમે કોમ્બિંગ કાર્યવાહીમાં સામેલ થઈ કામગીરી કરાઈ હતી.