Vishesh News »

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર મુસ્લિમ દંપતિનું મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ગણદેવી, તા.૩ ઃ ગણદેવી તાલુકાનાં સોનવાડી ગામે અંબિકા નદી બ્રિજ ઉપર શનિવાર સવારે સવા છ કલાકે હિટ ઍન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં ગણદેવીથી સુરત જતાં બાઈક સવાર પતિ-પત્નીનાં કમકમાટી ભર્યા મોત નિપજતા શોકની લાગણી વ્યાપી હતી. જ્યારે માનવતા નેવે મૂકી અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર થયો હતો. ગણદેવી પોલીસે ગુનો નોંધી ભાગેડુ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી હતી. ને.હા.નં.૪૮ ઉપર વલસાડ, નવસારી વચ્ચે આવતો બોરીયાચ ટોલ નાકાનો ટેક્ષ બચાવવા અનેક મોટા વાહનો ગણદેવીનાં માર્ગે ફંટાય છે. નવસારી તરફથી હાઇવે ઉપર સિસોદ્રાથી ઇટાળવા, ગણદેવી થઈ ખારેલ કે આલીપોર હાઇવે ઉપર ફરી દોડતા થાય છે. ઍવી જ રીતે બંને તરફ હાઈવેનો ટેક્ષ બચાવે છે. જે અંગે અનેકવાર પોલીસ લોક દરબારમાં પ્રશ્નો રજૂ થયા હતા તેમ છતાં જીવલેણ સમસ્યા જેમની તેમ છે. વલસાડ મોગરવાડીમાં રહેતા આરીફ બસીરભાઈ શેખ (૪૨) નાં લગ્ન વર્ષ ૨૦૧૩ માં ગણદેવી પાણીની ટાંકી પાસે રહેતી રેહાના પઠાણ (૪૦) સાથે થયા હતા. જે બાદ વર્ષ ૨૦૨૦ થી ગણદેવી પાણીની ટાંકી વિસ્તારમાં ભાડાનાં મકાનમાં રહી આરીફ શેખ ચીખલી નાનક કપડાંની દુકાનમાં નોકરી અને પત્ની રેહાના દરજીકામ કરી ગુજરાન ચલાવતા હતા. દરમિયાન રેહાનાની દેરાણી નાઝુબેન શાહિદ શેખ રહે. પીરોજા મહોલ્લા ગણદેવીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જેના ખબર અંતર પૂછવા શનિવાર વહેલી સવારે ૬ કલાકનાં અરસામાં આરીફ અને રેહાના પોતાની હીરો હોન્ડા ઍચઍફ ડિલક્ષ મોટર સાયકલ નં.જીજે ૨૧ ક્યૂ ૧૮૬૫ ઉપર સુરત નવી સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. તેઓ ગણદેવી તાલુકા નાં સોનવાડી ગામે અંબિકા નદી બ્રિજ ઉપર થી પસાર થતા હતા તે વેળા બ્રિજની વચ્ચોવચ કોઈક મોટા વાહન ચાલકે ટક્કર મારી કચડી નાંખ્યા હતા. મોટા વાહનનું તોતિંગ પૈડું ફરી વળતા માસનાં લોચા ક્ષત વિક્ષત હાલત માં હતા. અને માર્ગ ઉપર લોહી રેડાયું હતું. ઘટનાસ્થળે કમનસીબ આરીફ અને રેહાનાનાં અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા. બીજી તરફ વણઓળખાયેલો વાહન ચાલક અકસ્માત સર્જી ઈજાગ્રસ્તોને મદદ કર્યા વિના માર્ગ ઉપર છોડી વાહન હંકારી ગયો હતો. સમગ્ર મામલે મૃતકનાં સાળા ફારૂખ મહેબુબ પઠાણ (૪૨) રહે. પાણીની ટાંકી ગણદેવી ઍ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. ગણદેવી પીઍસઆઈ વિજય પટેલ ઍ સીસીટીવી કેમેરા નેટવર્ક આધારે તપાસ હાથ ધરી હતી. મૃતક દંપતિની ઍક દિવસ અગાઉ ૧૧ મી મેરેજ ઍનિવર્સરી હતી.