Vishesh News »

જીલ્લામાં હળવા વરસાદની આગાહી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ જિલ્લામાં આગામી તા. ૦૨/૦૩/૨૦૨૪ દરમિયાન હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદને કારણે ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું. હાલમાં પાકની વિશેષ કાળજી રાખવી જરૂરી છે. કઠોળ, શાકભાજી અને આંબાવાડીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ હોય તો કૃષિ નિષ્ણાંતની ભલામણ મુજબ દવાનો યોગ્ય છંટકાવ કરવો. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓઍ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો. ઍ.પી.ઍમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ખેતીવાડી વિભાગ/કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી/કૃષિ સંશોધન કેન્દ્ર, પરિયાનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.