Vishesh News »

વાઘલધરા હાઈવે પર ચાલકોને માર્ગદર્શન માટે સુચના ચિતરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૨૯ ઃ ને.હા નંબર ૪૮ ઉપર આવેલ વાઘલધરાગામે થોડા દિવસો અગાઉ ઍક કેમિકલ ભરેલ ટેન્કર ઊંધું વળી જઈ આગની લપેટમાં આવી જતા જેની સાથે બે વાહનો પણ લપેટમાં આવી જતા બે વ્યક્તિના મોત નીપજ્યા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા હાઇવે ઉપર કયા ટ્રેક ઉપર કયા વાહનો હંકારવા તેનું લખાણ ચિતરવામાં આવ્યું છે. ને.હા નંબર ૪૮ ઉપર અવારનવાર જ્વનશીલ પદાર્થો ભરેલા વાહનોની અવરજવર થતી રહી છે જેની સાથે સાથે મુસાફરો ભરીને જતી ઍસટી બસો તથા લક્ઝરી બસો પણ જતી હોય છે. ત્યારે થોડા દિવસ અગાઉ વાઘલધરા બ્રિજ ઉતરતા ઍક કેમિકલ ભરેલ ટેન્કર ઊંધું વળી જઈ આગની લપેટમાં બળીને ખાખ થઈ ગયું હતું. જેની સાથે બીજા બે વાહનો પણ આગની લપેટમાં બળીને ભસ્મિભૂત થઈ ગયા હતા. જે આગમાં બે વ્યક્તિના મોત પણ નીપજ્યા હતાં. ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે ઉપર દિશા સૂચક બોર્ડ કે કયા ટ્રેક ઉપર કયા વાહનો હંકારવા તેવી કોઈ સમજ ન અપાતા અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્ના છે. ત્યારે આ અકસ્માત થયા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા દરેક બ્રિજ ચઢતા તેમજ બ્રિજ ઉતર્યા બાદ કયા ટ્રેક ઉપર કયા વાહનો હંકારવા તેનું લખાણ ચીતરવામાં આવ્યું છે. જોકે આ લખાણને લઈ વાહન ચાલકોમાં પણ થોડી ઘણી સૂઝબુઝ ઉતરી રહી છે ત્યારે હજુ પણ હાઇવે ઉપર વાહન ચાલકો માટે જરૂરી માર્ગ દર્શિકા ની જરૂર રહી છે. ઍટલું જ નહીં પરંતુ હાઇવે ઉપર વાહન ચેકિંગ પણ ઍટલું જ જરૂરી બન્યું છે. જો કોઈ જ્વનશીલ પદાર્થો ભરીને વાહનો જતા હોય તો તે વાહન ઉપર અલગથી કોઈ ટેગ આપવામાં આવે તે પણ જરૂરી રહ્નાં છે.