Vishesh News »

દ.ગુ.ના દરિયામાં અન્ય માછીમારોના બોક્ષ ફીસિંગ સામે ધોલાઈ બંદરે વિરોધ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૨૯ બીલીમોરા નજીક ધોલાઈ બંદરે ગુરુવારે દક્ષિણ ગુજરાતનાં ૧૦૦ જેટલા માછીમાર અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં દ.ગુજરાતની જળસીમામાં ઉત્તર ગુજરાતનાં માછીમારો દ્રારા બોક્ષ ફીસિંગને પગલે સ્થાનિક માછીમારોને થતાં વ્યાપક નુકશાન સાથે નાની માછલીનાં નિકંદનને રોકવા સરકાર પાસે કાયદો ઘડવાની માંગ પોકારી હતી. ધોલાઈ બંદર શ્રી માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટનાં નેજા હેઠળ ગુરુવારે ઉમરગામ થી ભરૂચ સુધીના માછીમાર અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં જાફરાબાદ, શિયાળકોટ, રાજપરા જેવા વિસ્તારના માછીમારો દક્ષિણ ગુજરાતનાં બંદરો થી ૬-૭ નોટિકલ્સ માઈલ સુધી ઘુસી આવી ૭૦ ટકા વિસ્તારમાં કબ્જો જમાવે છે. તેમજ બોક્ષ ફીસિંગ માટે ખૂંટા મારે છે. જેને કારણે સ્થાનિક માછીમારો ને દરીયો ખેડવા માં મુશ્કેલી પડે છે અને તેમની ગિલનેટ ખૂંટા માં ભરવાઇ ફાટી જતા વ્યાપક નુકશાની વેઠવી પડે છે. વળી બોક્ષ ફીસિંગ ને કારણે નાની મચ્છીનું નિકંદન નીકળે છે. જે ભવિષ્ય માટે જોખમી છે. જેથી દક્ષિણ ગુજરાતના તમામ સંગઠનો ઍ ઍક સુરે રાક્ષસી ફીસિંગનો વિરોધ નોંધાવી કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવા કાયદો ઘડવાની માંગ પોકારી હતી. તેમજ દરિયામાં અઇચ્છનીય ઘટના રોકવા તાકીદે બેઠક બોલાવવાની માંગ સાથે નવસારી અને વલસાડ જિલ્લા કલેક્ટરોને પ્રાર્થના પત્રો આપ્યા હતા. પાંચ મહિના અગાઉ પણ સરકારનું ધ્યાન દોરવા છતાં સમસ્યા જેમ ની તેમ જ બની રહી હોવાની હૈયા વેદના પ્રગટ કરી હતી.