Vishesh News »

વલસાડમાં સ્થાનિક માછીમારોની રોજી બચાવવા આવેદન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯ ઃ દક્ષિણ ગુજરાતનાં માછીમાર ભાઈઓની ગુજરાતના દરિયામાં ફીશીંગ દરમ્યાન (બોક્ષ ફીશીંગ) ખૂંટા મારી કરવામાં આવતી બોક્ષ ફીસિંગ બાબતે આજરોજ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે. શ્રી માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ, દ્વારા વલસાડ જિલ્લા કલેકટર પાઠવી જણાવ્યું કે ગુજરાતના દરિયામાંથી બોક્ષ ફીસિંગ પદ્ધતિ કાયમ માટે દૂર કરી, સરકાર દ્વારા ઍક પ્રતિબંધિત કાયદો બનાવી અમલ કરાવવા માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતનાં ઉમરગામથી ભરૂચ સુધીનાં જન્મજાત - માછીમાર ભાઈઓ દરિયામાં પોતાની હદ વિસ્તારમાં જઈને માછીમારીનો ધંધો કરી, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સ્થાનિક હદ વિસ્તારમાં માછીમારી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. દરિયાઈ ખેતી ઍકમાત્ર ધંધો છે. બીજા કોઈ આવકના સ્ત્રોત નથી.. તેવા સંજોગોમાં જાફરાબાદ, શિયાળકોટ, રાજપરા તથા આજુબાજુનાં માછીમાર ભાઇઓ જેઓ ૮૦ થી ૯૦ નોટીકલ માઈલ અમારા સ્થાનિક વિસ્તાર (સુરત, નવસારી, વલસાડ)નાં બંદરથી ૭ નોટીકલ માઈલ સુધી ઘૂસી આવેલ છે. અને ખૂંટા મારીને જમીન ઉપર દરિયામાં ૭/૧૨ ની માલિકીનો હક્ક ધરાવતા હોય, તે રીતે ખૂબ મોટા પ્રમાણમાં દરિયામાં ૭૦ ટકા વિસ્તારમાં ઘેરાવો કરી, જમીન સંપાદિત કરેલ છે. દરિયો કોઈની માલિકીનો નથી. દરિયામાં ખૂંટા મારેલ હોવાથી ટ્રોલીંગ બોટવાળા પણ ફીશીંગ કરી શકતા નથી અને જેનાથી સ્થાનિક માછીમાર ભાઇઓ જેવો ગિલનેટ નાંખી દરિયામાં ફરતો ધંધો કરે છે. તેઓની ગિલનેટ ખૂંટામાં ફસાઈ જવાનાં કારણે વેપાર ધંધાનાં સાધનો સહિતને મોટું આર્થિક નુકશાન થાય છે. મચ્છીનો ધંધો બંધ પડી જતાં રોજીરોટી છીનવાઈ જવાથી બેરોજગાર બની ગયેલ છે. પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ઍક મોટો પ્રશ્ન બન્યો છે માછીમાર ભાઇઓની ઍક જ માંગ છે કે, દરિયામાંથી ખૂંટા મારી કરવામાં આવતી રાક્ષસી પ્રકારની મચ્છી પકડવાની પદ્ધતિથી જેનાથી નાની-નાની મચ્છીઓનાં બચ્ચાઓનું નિકંદન નીકળી જાય છે. જે કાયમી ધોરણે દૂર કરવામાં આવે દક્ષિણ ગુજરાતનાં તમામ સંગઠનોનું સમર્થન સાથે માંગણી કરી છે.