Vishesh News »

શ્રી હનુમાજી અને શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનો ખતલવાડામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૯ : હિન્દુસ્તાનમાં ઋષિઓ , યોગીઓ તથા દેવી-દેવતાઓ પૂજાય છે. આ દેશમાં લોકો દ્વારા સ્થાપિત સહસ્ત્રશ દેવ વિગ્રહ છે. દેવવિગ્રહ ઍટલે દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ. લોકો જે વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. તેમાં તેમના શરીરના વિશુદ્ધ પરમાણુ તથા તેમનો ભાવ તેમાં સંનિવિષ્ઠ થઈ જાય છે. ખત્તલવાડાના પાવન પ્રાંગણમાં શ્રી હનુમાનજી અને શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મૂર્તિની આજથી આશરે ૫૦ વર્ષ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાયો હતો દીર્ઘકાલીન મંદિરનું બાંધકામ જીર્ણ થતાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બુધવાર તારીખ ૨૧/૦૨/૨૪ તથા ગુરુવાર તારીખ ૨૨/૦૨/૨૪ ના રોજ કરવામાં આવ્યો. આ મહોત્સવની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. જે નિમિત્તે યજ્ઞ વિધિ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આચાર્યપદ તરીકે મુંબઈના પ્રખ્યાત મહાલક્ષ્મી મંદિરના મુખ્ય પૂજારી પ્રકાશ શ્રીરામ સાધલે ગુરૂજી દ્વારા ૧૫ જેટલાં બ્રાહ્મણો સહિત શાસ્ત્રોકત પૂજા થઈ. યજમાન પદનો લાભ મંદિરના અધ્યક્ષ પ્રફુલ યશવંત કરહાડકરે લીધો. પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શ્રી હનુમાનજી, ગણપતિ, ધ્વજ દંડ, ઘંટ, શિખર વગેરે નાસીક ઢોલના નાદ સાથે ગ્રામજનોના સાનિધ્યમાં નગર યાત્રા યોજી. આ નગરયાત્રામાં ગામના સરપંચ સુરેનભાઈ ટંડેલની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. આશરે ૪,૫૦૦ ભક્તોઍ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા દેવરુખે બ્રાહ્મણ સમાજ સહિત ગ્રામજનોઍ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવાનું ભાગ્ય ગામના તથા આજુબાજુના લોકો બની નસીબવંત બન્યા. શનિવાર તા. ૨૪/૦૨/૨૪ ના રોજ દર વર્ષની જેમ પાટોત્સવ પણ ખૂબ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો. તેમાં પણ અસંખ્ય લોકોઍ લાભ લીધો હતો. ખરેખર પ્રાણ પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિમાં અન્ય મૂર્તિ કરતા ભાવને તીવ્ર પ્રેરણા અને ઍક અજ્ઞાત પવિત્રતા મળે છે તેની અનુભૂતિ સૌ કોઈઍ કરી.