Vishesh News »

ચણોદ સર્કલ પર અડચણરૂપ સ્ટ્રકચરથી ટ્રાફિકની રાવ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ ઃવાપી શામળાજી નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર આવેલ ચણોદ સર્કલ પાસે કોઈપણ જાતની સરકારી પરમિશન મેળવ્યા વગર ગેરકાયદે અડચણરૂપ થાય તે મુજબ કાયમી સિમેન્ટ કોંક્રેટનું સ્ટ્રક્ચર બનાવી તેની ઉપર મૂર્તિઓ મૂકી ટ્રાફિક તેમજ અકસ્માતને નોતરું આપતા હોય તેવી રીતે સર્કલ બનાવી ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે જેને ધ્યાને લઈ તાત્કાલિક આ કામગીરી બંધ કરાવી સ્ટ્રક્ચર દૂર કરવા માટેની માંગ ચણોદ ગામ પંચાયતના સભ્યો અને રહીશો દ્વારા જિલ્લા કલેકટર હાઇવે ઓથોરિટી અને સ્થાનિક ધારાસભ્ય તથા સાંસદ સભ્યોને પત્ર લખી આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે. પ્રા વિગત મુજબ વાપી તાલુકાના ચણોદગામેથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર ૫૬ આવેલ છે. જેના ચણોદ સર્કલ પાસે હાલમાં રસ્તાઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન કેટલાક લોકોઍ કોઈપણ જાતની સરકારી પરમિશન મેળવ્યા વગર મુખ્ય માર્ગના વચ્ચે અડચણરૂપ થાય તે મુજબ ગેરકાયદે કાયમી રીતે મૂર્તિઓ મૂકી ટ્રાફિકની સમસ્યાઓ ઉભી કરવામાં આવી રહી છે. જે અંગે આજે સ્થાનિક લોકો દ્વારા ચણોદગામના રહેવાસી નિલેશભાઈ મગનભાઈ પટેલની આગેવાની હેઠળ ચણોદગામ પંચાયતના સભ્યો અને ગામજનો દ્વારા વલસાડ જિલ્લા કલેકટર, વાપી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટી ૫૬ ના અધિકારીઓ સાંસદ ડો. કે. સી. પટેલ, ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પોલીસવડા વલસાડ તેમજ વાપી વિભાગના નાયબ પોલીસવડા તથા ડુંગરા અને વાપી ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઇને પત્ર લખી આ ગેરકાયદે બની રહેલા સર્કલના સ્ટ્રક્ચરને તાત્કાલિક દૂર કરવામાં આવે અને ટ્રાફિકની તથા અકસ્માતો બનતા રોકવા અંગેની રજૂઆત કરી હતી.