Vishesh News »

ઉમરગામ તાલુકા નિવૃત્ત કર્મચારી સેવા મંડળની અગત્યની કારોબારી સભા મળી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૮, પ્રાથમિક શાળા ભીલાડના પ્રાર્થના હોલમાં ઉમરગામ તાલુકા નિવૃત્ત કર્મચારી સેવા મંડળની ખાસ અગત્યની કારોબારી સભા મળી હતી. સર્વ ધર્મ પ્રાર્થનાથી સભાની શરૂઆત કરવામાં આવી હતી. આ પરિવારના અકાળે અવસાન પામેલા નામી અનામી સદસ્યો, તેમજ દેશ કાજે ખપી ગયેલા શહીદોની યાદમાં બે મિનિટ મૌન પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. મંડળ ના ઉપપ્રમુખ માનનીય અશરફ ચુડાસમા સાહેબે સૌને મીઠો આવકાર આપી હાર્દિક સ્વાગત કર્યું હતું. મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ કોળી ઍ ૩૦ જૂનના રોજ નિવૃત્ત થનાર કર્મચારીઓના કિસ્સામાં મળવાપાત્ર ઇજાફા અંગે આજ સુધી થયેલી કાર્યવાહીની છણાવટપૂર્વક વિસ્તૃત ચર્ચા કરી હતી અને ટૂંક સમયમાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે ઍવી સૌને હૈયાધારણ આપી હતી. મંડળના કાર્યાધ્યક્ષ વિરેન્દ્રભાઈ ભટ્ટ સાહેબની અગવાનીમાં જે કર્મચારીઓને આ ઈજાફાનો લાભ મળવાપાત્ર છે, તેવા કર્મચારીઓ પાસે ખૂબજ ચોકસાઈ સાથે કાળજીપૂર્વક, ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આ અંગેની આગળની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે. સૌને ધીરજ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સૌના સાથ અને સહકારની અપેક્ષા સાથે અશરફભાઈ ચુડાસમા સાહેબે સૌનો આભાર વ્યક્ત કરતાંની સાથે કારોબારી સભાની કાર્યવાહીને વિરામ આપ્યો હતો.