Vishesh News »

વલસાડ જિલ્લામાં ૯મી માર્ચે રાષ્ટ્રીય લોકઅદાલત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૭ ઃ નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવતા હોય છે અને સુપ્રિમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. જે અભિગમનાં ભાગરૂપે સમયાંતરે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. આ લોકઅદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થાય છે. વલસાડ જિલ્લામાં પણ આગામી તા. ૦૯/૦૩/૨૦૨૪ નાં રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા અદાલત તેમજ જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આ લોક અદાલતમાં પડતર કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીઍબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, (અનુ. પા.નં. ૭ પર) પા.નં. ૧ નું ચાલુ... વલસાડ જિલ્લામાં... જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબંધિત દાવા તેમજ બેન્ક-ફાયનાન્સ કંપનીનાં? વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો વિગેરે જેવાં પ્રિ-લીટીગેશન કેસો લેવામાં આવશે. તેમજ ટ્રાફીક ઇ-ચલણનાં વસુલાતનાં કેસો લેવામાં આવશે કે જેમાં ઇ-ચલણનાં નાણાંની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઇ કાયદેસરની કાર્યવાહી થશે નહી. જેથી આ લોક અદાલતનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે અને લોક અદાલતનાં દિવસે તા.૦૯/૦૩/૨૦૨૪ નાં રોજ સંબધિત અદાલત સમક્ષ હાજર રહે તેવી અપીલ કરવામાં આવી છે.