Vishesh News »

વાપી અને ઉમરગામ રોડ રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસકાર્યોનું વડાપ્રધાને ઈ-ખાતમુર્હત કર્યુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૬ ઃ દેશના ૫૫૩ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ તેમજ ૧૫૦૦ જેટલા રેલ્વે ઓવરબ્રીજ અંડરબ્રિજનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચુલ કરવામાં આવ્યું હતું. જે પૈકી વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ રેલવે સ્ટેશન નો પુનઃ વિકાસ તેમજ ત્રણ જેટલા ઓવરબ્રિજ અને અંડર પાસ નું ઉદ્ઘાટન કાર્યક્રમ વાપીમાં યોજાયો હતો. મુંબઈ રેલવે ડિવિઝનના ૧૭ સ્ટેશનો પૈકીના વલસાડ જિલ્લાના ઉમરગામ રોડ, વાપી, પુનઃવિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ આજે શિલાન્યાસ કર્યો છે. વાપી ખાતે આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના બાળકોઍ વિવિધ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વલસાડ જિલ્લાના બન્ને રેલવે સ્ટેશનનું અને ૩ ઓવરબ્રિજ, અન્ડરપાસના શિલાન્યાસ, ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કર્યું હતું. તેમજ શાળાના બાળકોને પ્રાઈઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ જીલ્લો બોમ્બે ડિવિઝન હેઠળ આવે છે. જે અંતર્ગત આ ડિવિઝન હેઠળ ૧૭ રેલવે સ્ટેશનનો પુન વિકાસ થવાનો છે. જે પૈકી વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમૃત ભારત હેઠળ વાપી રેલવે સ્ટેશનનો ૨૯ કરોડના ખર્ચે પુનઃ વિકાસ થશે. જેમાં તમામ પ્રકારના મુસાફરો માટે તેમજ અધિકારીઓ માટે જરૂરી સુવિધાઓ આગામી સમયમાં ઉભી કરવામાં આવશે. જે રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે તે રેલવે સ્ટેશન પણ જે તે વિસ્તારની મુખ્ય ધરોહરને અનુરૂપ નિર્માણ કરવામાં આવશે. કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ડો. કે. સી. પટેલ, વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ, વીઆઈઍના પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન હેમંતભાઈ પટેલ, રેલવે વિભાગના માજી સભ્ય અને મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશનના ઉપપ્રમુખ મુકેશસિંહ ઠાકુર, રેલવે સલાહકાર સમિતિ વાપીના સભ્યો તેમજ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.