Vishesh News »

અંબાચ વિકસિત ગામ બનશે જ ઃ કનુભાઈનું વચન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૨૫ ઃ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી તાલુકાના અંબાચ ખાતેથી પારડી તાલુકાના રૂ. ૨૫.૬૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. જેમાં અંબાચ-પરિયા રોડ, સલવાવ મૂળગામ અંબાચ રોડ મેજર બ્રિજ અને અંબાચ ખેરલાવ બરઈ ગોઈમા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પારડીના પરિયા-અંબાચ-ચીભડકચ્છ રોડ રૂ. ૮ કરોડ ૬૮ લાખના ખર્ચે ૧૧ માસની સમય મર્યાદામાં તૈયાર કરાશે. જેમાં હયાત રોડની મજબૂતીકરણની કામગીરી, રોડ ફર્નિચર, બોક્ષ કલ્વર્ટ, ઍચ.પી.ડ્રેઈન અને પ્રોટેકશન વોલ સહિતની કામગીરી કરાશે. સલવાવ મૂળગામ અંબાચ રોડ પર કોલક નદી ઉપર મોટા પુલની કામગીરી રૂ. ૧૨ કરોડના ખર્ચે પૂર્ણ કરાશે. આ પુલ બનવાથી વાપીથી અંબાચ વચ્ચેનું અંતર ૧૮ કિમીની જગ્યાઍ ૫ કિમીનું થશે. અંબાચ-ખેરલાવ-બરઈ-ગોયમા રોડને પહોળો તથા મજબૂતીકરણની કામગીરી રૂ. ૫ કરોડના ખર્ચે ૯ માસમાં પૂર્ણ કરાશે. આ રસ્તાથી અંબાચ, ખેરલાવ, બરઈ, ગોયમા અને ડુમલાવના લોકોને ફાયદો થશે. ખાતમુહુર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈઍ વિકાસ કાર્યોની ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોને અભિનંદન પાઠવતાં કહ્નાં હતું કે, છેલ્લા થોડા સમયમાં અંબાચ ગામ ખાતે વિવિધ વિકાસના કાર્યો થયા છે અને અંબાચ વિકસિત ગામ બનશે જ ઍ મારૂ વચન છે. સાંસદ ડૉ. કે.સી.પટેલ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા જ્યારે માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતિન પટેલે સ્વાગત પ્રવચન અને માર્ગ મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર અમિષ પટેલે આભાર વિધી કરી હતી.