Vishesh News »

વલસાડમાં નવે. સુધીમાં રૂ. ૩૮ કરોડના નવા જી.પં. ભવનનું નિર્માણ કરાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૦ ઃ પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે, રાજ્યમાં પંચાયત ગૃહો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં ભવનોને અદ્યતન બનાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વલસાડમાં રૂ. ૩૮ કરોડના ખર્ચે નવીન જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ કરાશે જે નવેમ્બર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. વિધાનસભામાં વલસાડ જિલ્લા પંચાયતના નવીન ભવનના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ખાબડે ઉમેર્યું કે, વલસાડમાં નિર્માણ થનાર નવીન જિલ્લા પંચાયત ભવન પાંચ માળનું હશે. જે સંપુર્ણ ભૂકંપપ્રૂફ ડીઝાઇન સાથેનું બનાવાશે. તમામ શાખાઓ ઍક જ સ્થળે બેસે ઍવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ભવનમાં પ્રમુખ વિવિધ સમીતીના ચેરમેનો, જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય અધિકારીઓની અલાયદી ચેમ્બરો હશે. તેમજ સોલાર પેનલ, ફાયર સીસ્ટમ, આર.સી.સી.ના ઇન્ટરનલ રોડ, બગીચો, દિવ્યાંગજનો માટે રેમ્પની સુવિધા, નાગરિકો માટે પીવાના પાણી સહિત અન્ય આનુષાંગિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવશે તેમ તેમણે ઉમેર્યું હતુ.