Vishesh News »

વાપીમાં પશુ તસ્કરોને કોઈનો ખૌફ નથી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ વાપીમાં વિસ્તારમાંથી પશુઓને બેભાન કરી ચોરી કરતી ટોળકીઓ ફરી સક્રિય બની અને આજે વહેલી સવારમાં ચલા મુક્તાનંદ માર્ગ ઉપરથી બે પશુઓને બેભાન કરી ચોરી કરી જવાની ઘટના બનતા સ્થાનિક લોકો તથા પોલીસ સક્રિય બની સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી પશુઓને ચોરી જતી ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી વાપી ટાઉન વાપી જીઆઇડીસી અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી રખડતા પશુઓને તેમજ માલધારીઓના કબજામાંથી રાત્રિ દરમિયાન કેટલાક પશુ ચોરી કરતા ઈસમોની ટોળકી સક્રિય બની છે અને જેવો અવારનવાર વાપી વિસ્તારમાંથી પશુઓને ચોરી કરી જતા હોવાની ઘટના બની રહી હતી. ત્યારે ગઈકાલે વાપીના ચલા મુક્તાનંદ માર્ગ ઉપરથી વહેલી સવારમાં ઈનોવા કાર અને સ્વીફટ કારમાં આવેલા પાંચથી સાત જેટલા ઈસમોઍ કેટલાક પશુઓને બેભાન કરવાના ઇન્જેક્શન મારી પશુઓને બળજબરી પૂર્વક ઉઠાવી કારની ડીકીમાં નાખી ચોરી કરી ગયા હોવાની ઘટના બની હતી જે તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં વહેલી સવારમાં આ અંગેની જાણ સ્થાનિક લોકોમાં તેમજ ગૌ રક્ષા કરનારાઓમાં થતા જ તેઓઍ વાપી ટાઉન પોલીસમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી પશુધન ચોરી કરતી ટોળકીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.