Vishesh News »

પારડીની વાત્સલ્ય શાળાના રૂમમાંથી રૂ.૧.૫૪ લાખની ચોરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૮ ઃ પારડીમાં જે.પી. પારડીવાલા આર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજની પાછળ વાત્સલ્ય શાળાના અંદર આવેલ રૂમમાં રહેતા પરિવાર રૂમ બંધ કરી અમદાવાદ ગયા હતા. જે દરમ્યાન કોઈ ચોર ટોળકી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત કુલ રૂ. ૧.૫૪ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વાત્સલ્ય શાળાના અંદર રૂમમાં પારડી માનવ આરોગ્ય કેન્દ્ર ખાતે ઍડમીન તરીકે ફરજ બજાવતા અજય કિરીટચંદ્ર ઠાકર તેના પરિવાર સાથે રહે છે. જે ગત ૧૬ ફેબ્રુઆરીના અમદાવાદ ખાતે બ્લડ બેન્કના રીવ્યુ મીટીંગમાં જવાના હોય તેવો ૧૫ ફેબ્રુઆરીના રોજ તેના વતન રાજપીપળા ખાતે પરિવારને મૂકી અમદાવાદ ખાતે ગયા હતા. જે બાદ ૧૬ ફેબ્રુઆરીના વાત્સલ્ય શાળાના આચાર્ય સાધનાબેને અજયભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, રૂમનો દરવાજાનો નકુચો તુટેલ હાલતમાં મળી આવ્યો હતો. અંદર તપાસ કરતા સામાન વેર-વિખેર હાલતમાં જોવા મળ્યો હતો. અમદાવાદથી અજય ઠાકર તેની પત્ની પરવીન સાથે પરત રૂમ પર આવતા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાઇ આવ્યું હતું. જેમાં સોનાની ચેઇન, જેની કી.રૂ. ૬૦,૦૦૦, કાનની બુટ્ટી, ચાંદીના પાયલ, ચાંદીના સિક્કા, મોબાઈલનું બ્લુટુથ, ડાયમંડ સેટ, બ્લડપ્રેશર માપવાનું મશીન, વાળ સીધા કરવાનું મશીન તથા રોકડ રકમ રૂ. ૩૭,૦૦૦ મળી કુલ રૂ. ૧ લાખ ૫૪ હજાર ૩૦૦ મત્તાની ચોરી થઈ હોવાની પારડી પોલીસ મથકે અજયભાઈ ઠાકરે ફરિયાદ નોંધાવી હતી. પારડી પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધી પી.આઈ. જી.આર ગઢવી સહિત તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.