Vishesh News »

પારનેરાના મંદિરમાં ચોરી કરતો મજુર સીસીટીવી કેમેરામાં કેદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ પારનેરા ડુંગર પર આવેલ રામેશ્વર મંદિરના ઉપરના ભાગે આવેલા પતરા વાટે મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં મુકેલી દાન પેટીમાંથી ૨૫૦૦ રૂપિયાની મતાની ચોરીની ઘટનાના સીસીટીવી કેમેરા ચેક કરતા મંદિરમાં મજૂરી કામ કરતા ધરમપુરના મજૂરે ચોરી કરી હોવાનું બહાર આવતા તેના વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વલસાડ તાલુકાના પારનેરાગામે આવેલા ઐતિહાસિક ઍવા પારનેરા ડુંગર પર આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં મુકેલ દાનપેટીમાંથી ચોરી થવા અંગે મંદિરના પુજારી કૌશિક ધીરુભાઈ પટેલ રહે. પારનેરા વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે પારનેરા ડુંગર પર આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી અંગે સીસીટીવી કેમેરા ચેક કરતા મંદિરનું રીપેરીંગ કામ કરનાર ઍક મજુર મંદિરની દાનપેટી તોડી અંદરથી ૨૫૦૦ રૂપિયાની ચોરી કરતો નજરે પડતા અન્ય મજૂરોને સીસીટીવી વીડીયો બતાવી તપાસ કરતા આ ચોરી આરોપી વિપુલભાઇ જયેશભાઇ દળવી ઉ.વ.૨૧ રહે. મોટી કરવળગામ ફળીયા તા.ધરમપુર હોવાનું જાણવા મળ્યું હતું. તા.૧૩/૦૨/૨૦૨૪ ના રોજ વહેલી સવારે પારનેરા ડુંગર ઉપર રામેશ્વર મહાદેવ મંદિર ખોલી આરતી તથા પુજા પાઠ કરવા જતા ૨૫૦૦ રૂપિયા ઍલ્યુમિલીયમના ડબ્બામાં મુક્યા જે રકમ જોવા નહીં મળતા તેમજ મંદિરના દરવાજામાં લગાવેલું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું અને મંદિર ઉપરનું પતરું તૂટેલી હાલતમાં તેમજ પૂજાનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. સીસીટીવીમાં ચેક કરતા રાત્રે ૧૧ઃ૦૦ કલાકે આ ચોર ઇસમે મુખ્ય દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તાળું નહીં તૂટતા મંદિરના ઉપર ચડી પતરું તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે અંગે પુજારી કૌશિક ધીરુ પટેલે વલસાડ રૂરલ પોલીસ મથકમાં આરોપી વિપુલ જયેશભાઈ દળવી, રહે. મોટી કરવડ, ધરમપુર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.