Vishesh News »

કુડચાનું ૐ આકારનું મંદિર ૧૫મી ફેબ્રુઆરીથી ભકતો માટે ખુલ્લું મુકાશે

(દમણગંગા ટાઇમ્સ ) સેલવાસ, તા. ૧૩ ઃ દાનહના કુડાચા ખાતે ઓમકાર મંદિરના નિર્માણથી ભક્તોનું સ્વપ્ન સાકાર થયું છે. કુડાચા ગામમાં ૧૫૧ દેવી-દેવતાઓનું આવા અનોખા ઓમકાર મંદિર નો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે મંદિરે આવેલા પંડિતોઍ હવન-અર્પણ અને મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પૂજા કરી હતી. મુખ્ય આયોજક પી.જે.પટેલ, ચંદ્ર પ્રભા કાપરીઍ જણાવ્યું કે મંદિરના નિર્માણ માટે શ્રી નિખિલ ત્રિમૂર્તિ પ્રણવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૦૩માં નિખિલેશ્વર મહાદેવ મંદિરનો પાયો નાખ્યો હતો. ૨૦ ઍકર જમીનમાં બનેલા આ મંદિરમાં કુલ ૧૫૧ દેવતાઓ છે જેમાં ૨૪ અવતારો, ૧૨ જ્યોર્તિલિંગ, ૯ દુર્ગા, નવગ્રહ, ૧૦ મહાવિદ્યા, ૫૧ શક્તિપીઠ, કૃષ્ણ દરબાર, શ્રી રામ જાનકી લક્ષ્મણ, નારાયણ દરબાર, મહાત્મા બુદ્ધ, મહાવીર, મહાવીર, ગુરુ નાનકની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. મંદિરમાં ઓમની મધ્યમાં ઍક સુંદર ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે. તેમાં પારદ શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. અભિષેક બાદ ૧૫ ફેબ્રુઆરીથી મંદિર સામાન્ય ભક્તો માટે ખુલ્લું મુકાશે.