Vishesh News »

દમણથી સંબંધી અને હિન્દુ સંગઠનના ટોળાઍ બિનવાડામાં ચક્કાજામ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ દસ દિવસ અગાઉ કોમ્પ્યુટર કલાસમાં જાઉં છું ઍમ કહી નીકળેલી ૨૯ વર્ષીય યુવતી ઘરે પરત નહી પહોંચતા પરિવારને અતુલ નજીકના અંજલાવ ધુમાડિયાગામે રહેતો ઍક વિધર્મી લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હોવાની જાણ થતા આજરોજ દમણના રહીશો અને હિન્દુ સંગઠનના લોકો મોટી સંખ્યામાં બિનવાડાગામના રસ્તા ઉપર બેસી ચક્કાજામ કરતા વલસાડ ઍલ.સી.બી., ઍસ.ઓ.જી. પોલીસ સહિતની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે વલસાડ જિલ્લા પોલીસવડાની મધ્ય સ્થિતિ પરિવારજનોને સમજાવી પરત મોકલાવતા મામલો થાળે પડ્યો હતો. સંઘ પ્રદેશ ઍવા દમણમાં રહેતા પરિવારની ૨૯ વર્ષીય યુવતી ૧લી ફેબ્યુઆરીના રોજ કોમ્પ્યુટર ક્લાસમાં જાવ છું કહી ઘરેથી નીકળી હતી. જે બાદ યુવતીના પરિવારના સભ્યોઍ યુવતીના મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ બંધ રહેતા પરિવારના સભ્યોઍ દમણ અને આજુબાજુના વિસ્તારોમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પરિવારના સભ્યોઍ દમણના ઍસપીને રજૂઆત કરી હતી અને જે અંગે દમણ પોલીસમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દસ દિવસ થવા છતાં દમણ પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા પરિવારના સભ્યોઍ કોમ્પ્યુટર કલાસ અને યુવતીના મિત્રોને યુવતી અંગે પૂછપરછ કરતા યુવતી વલસાડ તાલુકાના અંજલાવ ધૂમડિયાગામમાં રહેતા યુવક સાથે મિત્રતા બાદ પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ હતી અને વિધર્મી યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારના સભ્યો દમણ વિસ્તારના લોકો સાથે વલસાડ આવ્યા હતા. જે અંગે હિંદુ સંગઠનને જાણ થતા હિન્દુ સંગઠનના લોકો બિનવાડાગામમાં પહોંચી રસ્તા પર બેસી વિરોધ નોંધાવી ચક્કાજામ કરતાં જેની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતા બિનવાડા અને આજુબાજુના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ, વલસાડ રૂરલ, ઍલસીબી અને ઍસઅોજી સહિત પોલીસ કાફલો બિનવાડાગામે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે યુવતી ન મળે ત્યાં સુધી ઘરે પરત નહીં જવાની પરિવારજનો અને હિન્દુ સંગઠનોઍ ચીમકી આપી હતી. અંતે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાઍ પરિવારજનોને સમજાવી પરત મોકલાવતા મામલો થાળે પડ્યો હતો.