Vishesh News »

વડાપ્રધાન વલસાડ જીલ્લામાં આજે ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૯ ઃ રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આજે ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા), પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અંદાજિત ૧,૨૭,૦૦૦ આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત આજરોજ વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્તારોના કુલ ૩૨૭ ગામોમાં ૪૯૩૨ જેટલા આવાસોનું પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. વાપીના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થી સાથે વન ટુ વન સંવાદ કરશે. જિલ્લાના વિધાનસભા મત વિસ્તારો મુજબ ૧૮૦ પારડી વિધાનસભા મતવિસ્તારમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પારડી તાલુકાની કુમાર પ્રાથમિક શાળા ખાતે ૨૯ ગામોના ૩૩૬, ૧૭૮ ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર તાલુકામાં વનરાજ કોલેજની પાછળના મેદાન, બામટી ખાતે ૯૯ ગામોના ૨૦૩૮, ૧૭૯ વલસાડ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડની ઍપીઍમસી માર્કેટ ધમડાચી ખાતે ૪૦ ગામોના ૩૦૯, ૧૮૧ કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કપરાડાના કોમ્યુનિટી હોલના મેદાન ખાતે ૧૧૫ ગામોના ૧૬૩૪ તેમજ ૧૮૨ ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ઉમરગામના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ૪૪ ગામોના ૬૧૫ મળી વિવિધ આવાસ યોજનાના કુલ ૪૯૩૨ આવાસોનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.