Vishesh News »

અમલસાડ ફાટક સોમવારથી બંધ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૦૮ ઃ અમલસાડ રેલ્વે સ્ટેશને દાયકાઓ થી પૂર્વ-પડ્ઢિમ આવાગમન માટે ફાટક નં.૧૧૧ અને ૧૧૨ ઉપયોગમાં લેવામાં આવતો હતો. જેમાંથી ફાટક નં ૧૧૨ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર નિર્માણની કામગીરીને પગલે દોઢેક વર્ષ અગાઉ બંધ કરી દેવાઈ હતી. હાલમાં પૂર્વ પડ્ઢિમ વિસ્તારમાં અવરજવર માટે ફાટક નં ૧૧૧ ઍકમાત્ર વિકલ્પ છે. ગણદેવીના અમલસાડ ફાટક નં ૧૧૧ સમારકામ ને લઈ તા.૧૨/૦૨/૨૪ થી ૧૭/૦૨/૨૪ ને સોમવારથી ૬ દિવસ માટે બંધ કરવામાં આવશે. કોઈપણ જાતના વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાયા વગર ફાટક બંધ થવાના સમાચારથી લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહયો છે. કાંઠા વિસ્તારના વાસણ, કોથા, માસા, મોવાસા, સરીબુજરંગ, અંચેલી, ભાગડ અને અમલસાડ, ગણદેવી ગ્રામજનોને અવરજવર કરવા પડનાર હાલાકી દૂર કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા તીવ્ર લોકમાંગ ઉઠી રહી છે. અન્યથા ગણદેવી અને અમલસાડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે જનાર દર્દીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વેપાર અર્થે અમલસાડ સહકારી મંડળીમાં જતા વેપારીઓ અને ઇમરજન્સી ઍમ્બ્યુલન્સ સર્વિસ સહિતની અન્ય સેવાઓ ખોરંભે ચડશે. અમલસાડ ફાટક નં ૧૧૧ બંધ કરતા પૂર્વે પૂર્વ-પડ્ઢિમ વિસ્તારમાં અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા લોકો તંત્ર પાસે માંગ કરી રહયા છે. અન્યથા સેંકડો કાંઠાવાસીઓ અટવાશે. ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા રેલ્વે અધિકારીઓ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.