Vishesh News »

વલવાડામાં શરતભંગ થતાં દબાણ હટાવાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૭ ઃ વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન મહેસુલ કાયદાની કલમ ૬૭ હેઠળ શરતભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર તા. ૨૫-૭-૨૦૨૨ના હુકમથી વલવાડા નવા સર્વે નંબર ૮૭૧ જુના સર્વે નંબર ૨૦૦ પૈકી ૮ વાળી જમીનમાં સક્ષમ અધિકારી દ્વારા નકશા મંજૂર થયેલા હોય, પ્રવર્તમાન બાંધકામ દૂર કરવા તથા ગુજરાત જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ ના નિયમ ૧૦૧ તથા ૧૦૨ મુજબ કાર્યવાહી કરી સામેવાળા પાસેથી વસૂલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા અને દંડની રકમ વસૂલ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને અધિકૃત કરવા હુકમ કરેલો. જે અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી પઢીયાર વહીવટદાર તથા તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં ઉપરોક્ત જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં બુધવારે સવારે ૧૦ઃ૩૦ કલાકે તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત સિંહ પઢીયારની ઉપસ્થિતિમાં ૭૩ ઍ ઍ પ્રકારની જમીન ઉપર શરત ભંગની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર નિર્માણ તેમજ પતરાના સેડ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક આગેવાનો દ્વારા વલવાડા હાઇવે નજીકના વિસ્તારમા રેલવેને અડીને મોટાભાગની જમીન પર નિયમ ભંગ કરી બાંધવામાં આવ્યા છે. જો તપાસ કરવામાં આવે તો ૭૩ ઍ ઍ પ્રકારની જમીન તેમજ અન્ય સરકારી જમીન ઉપર દબાણ કરાયા હોવાની શક્યતા ન કરી શકાય.