Vishesh News »

રાબડા સુધારણા જૂથ પાણી પુરવઠાની યોજના ૧૩ ગામોને પાણી પહોîચાડશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ રાબડા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના રૂ. ૨૮.૭૩ કરોડના ખર્ચે આ પાણી પુરવઠાની યોજના વલસાડ તાલુકાના ૧૩ ગામોમાં ઘરે ઘરે પાણી પહોંચશે. જોકે આ યોજના શરૂ થતા અંદાજે ૧૮ જેટલા મહિના થનાર છે. વલસાડ તાલુકાના રહીશો માટે સરકાર દ્વારા ‘નલ સે જલ, ઘર ઘર નલ’ જેવી યોજનાઓથી રહીશોને હવે ઘર બેઠા પીવાના પાણીની સુવિધાઓ મળતા ગામોના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. થોડા દિવસ અગાઉ વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરતભાઈ પટેલે વલસાડ તાલુકાના દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ૧૧ જેટલા ગામોના લોકો માટે દીવેદ હરિયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂ. ૧૧.૬૩ કરોડના ખર્ચે પીવાના પાણીની લાઈનનું ખાતમુહૂર્ત મગોદડુંગરીગામે કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી યોજના વલસાડના રાબડા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી છે. રાબડા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના માટે વલસાડના પારનેરાગામે ફિલ્ટર પ્લાન્ટ, સમ્પ, અને ટાંકી બનાવવામાં આવશે. રાબડા પાણી પુરવઠા યોજનાથી વલસાડ તાલુકાના ૧૩ ગામોમાં રાબડા, બીનવાડા, અંજલાવ, ગાડરીયા, ભોમા પારડી, રોણવેલ, જુજવા, પાથરી અટકપારડી, ચણવાઈ, ચિચવાડા, પારનેરા પારડી, પારનેરા જેવા ગામોમાં પાણી મળશે. આ યોજના રૂ. ૨૮.૭૩ કરોડ ના ખર્ચે બનશે. જેનું કામ રાજકોટની મેસર્સ પૂજા બિલ્ડર્સ નામની ઍજન્સીને સોંપવામાં આવ્યું છે. ઍપ્રોચ બ્રિજ, ઍપ્રોચ રોડ, સ્ટોરેજ ફિલ્ટર પ્લાન, પાઇપલાઇન, આરસીસી ભૂગર્ભ ટાંકા, આરસીસી ઉંચી ટાંકી, પંપ હાઉસ હેડ હેડ ક્વાર્ટર્સ ડેવલોપમેન્ટ પમ્પિંગ મશીનરીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલની વસ્તી અંદાજે ૫૩ હજાર અને ભવિષ્યની વસ્તી ૯૦,૦૦૦ ને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ૭૦ ઍલપીસીડી થી વધારીને ૧૦૦ ઍલપીસીડી પ્રમાણે આપવામાં આવશે. રાબડા સુધારણા પાણી પુરવઠા યોજના આગામી ૧૮ મહિનામાં કામ પૂર્ણ થયા બાદ ગામોમાં ઘરે-ઘરે પાણી પહોંચશે. વલસાડના પારનેરા ગામે સરકારી આવેલી જગ્યામાં સમ્પ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પારનેરા ગ્રામ પંચાયત દ્વારા સમ્પ ટાંકી ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેનો ઠરાવ પણ આપ્યો છે. જોકે જે અંગેની કલેકટર સહિતના સક્ષમ અધિકારીઓની પરવાનગી લેવામાં આવ્યા બાદ રાબડા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.