Vishesh News »

વલસાડ જીલ્લામાં ‘ખીરૂ’ના વેચાણમાં ઉઘાડી લૂંટ !

દમણગંગા ટાઈમ્સ - કમલેશ હરિયાવાલા વલસાડ, તા.૫ ઃ વલસાડ શહેર તથા આસપાસના વિસ્તારમાં ખૂબ જ ઝડપથી વિકસી રહેલો ખીરૂનો વ્યવસાય પ્રતિ રોજ ઍક અંદાજ મુજબ ઍકથી દોઢ ટન કરતાં વધુનો હોવાનો મનાય છે. જેની સાથે રોજના અનેક પરિવારો સંકળાતા હોવાનું અનુમાન છે. આ વ્યવસાય જીલ્લાકક્ષાઍ વિરાટ સ્વરૂપ ધરાવે છે. વાપી, પારડી તેમજ ઉમરગામમાં સ્થાનિક ઉત્પાદકો છે. જ્યારે ધરમપુર અને કપરાડા તાલુકામાં બહારગામથી આવી દુકાનદારોને ખીરૂં સપ્લાય કરતાં હોય છે અને આ સમગ્ર વ્યવસાય (ઉદ્યોગ) સાઉથ ઇન્ડિયન લોકોનાં હાથમાં છે. ઢોકળા, ઈડલી અને ઢોસાનાં ખીરૂનાં ઉત્પાદનમાં મુખ્ય રૂપે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. નિયમ મુજબ ઍક કિલો ચોખામાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ અડદની દાળ નાખવામાં આવે છે. આ માપ મુજબ ચોખા (ઉકળ ચોખા) અને અડદની દાળનો જથ્થો પાણીમાં પલાળવામાં આવે છે અને ફુલાઈ જાય ઍટલે તેને ઍને પીસવાના ગ્રાઈન્ડરમાં પીસવામાં આવતું હોય છે. જ્યારે મેંદુવડા અને દહીંવડાનાં ખીરૂમાં માત્ર અડદની દાળનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઍમાં અમુક ઉત્પાદકો રવાની ભેળસેળ કરતાં હોય છે. હાલમાં ઉકળ ચોખાનો હોલસેલ ભાવ ક્વિન્ટલનાં રૂ. ૪૦૦૦ ઍટલે કિલોના રૂ. ૪૦ છે અને અડદની દાળ હોલસેલ ભાવ કિલોનાં રૂ. ૧૧૫ અને અડદની દાળનાં ટુકડા રૂ. ૯૦ થી રૂ. ૯૫ છે. અને મોટાભાગે દાળનાં ટુકડા જ ઉપયોગમાં લેવાય છે. ઍક કિલો ચોખાનાં રૂ. ૪૦ અને ૨૫૦ ગ્રામ અડદની દાળના ટુકડાનાં રૂ. ૨૪ (જો ઈમાનદારીથી વાપરે તો) અને દળવાની મજૂરી અને લાઇટનો ખર્ચ વધું માં વધુ રૂ. ૫ રૂપિયા મળીને રૂ. ૬૯ થાય જેમાંથી ૨.૫ કિલો કરતાં વધુ ખીરૂ તૈયાર થાય. ઍક કિલો ઢોકળાના ખીરૂંનું ઉત્પાદન કોસ્ટ રૂ. ૨૮ જેટલું આવે અને ખુલ્લેઆમ લૂંટ ચલાવી રૂ. ૬૦ કિલો વેચવામાં આવી રહેલ છે. તેવી જ રીતે દહીંવડા અને મેંદુવડાનું ખીરું અડદની દાળનાં ટુકડાનાં ઍક કિલોના રૂ. ૯૫ અને રૂ. ૫ લાઈટ અને મજુરીના મળીને રૂ. ૧૦૦ થાય અને બે કિલો કરતાં વધુ ખીરૂં તૈયાર થાય. રૂ. ૫૦ ઉત્પાદન કોસ્ટ આવે અને ખીરૂં વેચાય છે રૂપિયા ૧૪૦ કિલો. છે ને ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્ના છે અને નગરપાલિકાનાં ગુમાસ્તા વિભાગ વેચાણ માટેનું ગુમાસ્તાની નોંધણી કરી નોંધણી નંબર આપે છે પણ ખીરૂં ઉત્પાદન કરવું હોય તો ફેક્ટરી ઇન્સ્પેકટરની કચેરી ખાતેથી લાયસન્સ લેવાનું હોય છે જે કોઈઍ લીધું નથી. ખીરુનાં પેકિંગ પર વજન, કિંમત કે વપરાતી આઈટમો ની વિગતો વર્ણવતા નથી આ તપાસ કામગીરી તોલમાપ વિભાગ પાસે આવે છે. ગ્રાહકો સાથે આટલી મોટી ભયાનક લૂંટ ચલાવવામાં આવે છે ત્યારે ગ્રાહકો ની બાબતોનું વિભાગ જીલ્લા પુરવઠા વિભાગ પાસે આવે છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે પુરવઠા વિભાગ સહિતના સરકારી વિભાગો શું કરી રહ્ના છે.