Vishesh News »

વાપીના અગ્રણી ઉદ્યોગકાર કાંતિલાલ હરિયાનું નિધન ઃ દેહદાન કરી પ્રેરણા આપી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૫ ઃ વાપી અને મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને અનેક શૈક્ષણિક સંસ્થા તેમજ હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા કાંતિભાઈ હરિયાનું વાપી ખાતે નિધન થતા વાપીના ઉદ્યોગપતિ અને અગ્રણીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સ્વ. કાંતિભાઈ હરિયાના પાર્થિવદેહનું વલસાડની મેડિકલ કોલેજમાં દેહદાન કરી ઍક પ્રેરક ઉદાહરણ પણ પુરુ પડાયું હતું. રાયું હતું. મૂળ જામનગરના કજુરડાગામના વતની અને જાણીતા ઉદ્યોગપતિ લખમશી ગોવિંદજી હરિયાના પુત્ર તેમજ વાપી તથા મહારાષ્ટ્રમાં ઍક્સપોર્ટ ઈમ્પોર્ટ કંપની ધરાવતા કાંતિભાઈ હરિયાનું તા. ૪-૧-૨૦૨૪ ને રવિવારના રોજ નિધન થતા તેમના પરિવારમાં તેમજ વાપી જીઆઇડીસી પંથકમાં ઉદ્યોગ ધરાવતા ઉદ્યોગપતિઓ અને શૈક્ષણિક સંસ્થા તથા જાહેર જીવનના લોકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સ્વ. કાંતિભાઈના પિતા લખમશી ગોવિંદજી હરિયા દ્વારા ૧૯૫૬ માં જામનગર ખાતે હરિયા ઍક્સપોર્ટ ની સ્થાપના કરી આ ઉદ્યોગને તેમણે ૧૯૬૩ મા મુંબઈમાં ફેલાવી, ત્યાં પણ હરિયા ઍક્સપોર્ટની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે આ ઉદ્યોગને વાપી ખાતે આવેલ જીઆઇડીસીમાં લાવી ઈ.સ. ૧૯૭૪-૭૫માં હરિયા ગારમેન્ટ, હરિયા ઍક્સપોર્ટ અને હરિયા ઍન્જિનિયરિંગ નામની કંપનીની સ્થાપના કરી. આ ઉદ્યોગ સાથે તેમણે વાપીમાં ઈ.સ. ૧૯૭૫માં કામદારો તેમજ સ્થાનિક નાગરિકોને આરોગ્ય ની સુવિધા મળી રહે તે માટે ઍલ.જી. હરિયા ચેરિટેબલ ટ્રસ્ટના નામે હોસ્પિટલની સ્થાપના કરી જે આજે ૨૫૦ બેડની કાર્યરત છે. હરિયા હોસ્પિટલના નિર્માણમાં સિંહફાળો આપ્યો. જેથી હોસ્પિટલની શિલારોપણવિધિ તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલના હસ્તે તા. ૯-૧૧-૧૯૭૫ના રોજ કરવામાં આવી હતી. જે ૧૯૮૨ માં આ હોસ્પિટલનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થતા જ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી મનહરસિંહ જાડેજા ના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લી મુકાઈ હતી અને આ હોસ્પિટલ નું નામ હરિયા લખમશી ગોવિંદજી રોટરી હોસ્પિટલ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વાપીમાં શ્રી અંબે માતા મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના નામે અંબામાતા મંદિર બનાવ્યું સાથે શૈક્ષણિક ક્ષેત્રે કેબીઍસ કોલેજ, ઍલજી હરિયા હાઇસ્કુલ તેમજ કરવડ ખાતે તેમના સ્વર્ગવાસ પુત્ર કૌશિકના નામે પ્રાથમિક અને માધ્યમિક શાળાની સ્થાપના કરી હતી. તેમજ તેમના ઍકમાત્ર પુત્ર કૌશિક હરિયાના નામે ચણોદમાં આઈટીઆઈ શૈક્ષણિક સંસ્થા અને કપરાડાના આદિવાસી વિસ્તારમાં આવેલ માની ખાતે પણ શાળા શરૂ કરી હતી ત્યારબાદ ડુંગરા ખાતે ઍક વિશાળ જાણીતી બનેલી ઍવી રેસીડેન્સી હરિયા પાર્ક પણ બનાવી હતી. તેમના નિધનથી વાપીના ઉદ્યોગજગત માટે પણ મોટી ખોટ પડી છે અને વાપીના વિકાસમાં પાયાનું યોગદાન આપનાર ઍક શ્રેષ્ઠી ગુમાવ્યો છે.