Vishesh News »

નાંદરખામાં ફરી અસરગ્રસ્ત ખેડૂતોને વળતરની ખાતરી અપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૪ ઃ ગણદેવી તાલુકા નાં નાંદરખાગામે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ઍલ ઍન્ડ ટી કંપની ઍ ખેડૂતોની જમીન ભાડાં કરાર હેઠળ લઈ, માટી ખનન કરી, વળતર નહીં ચૂકવવા મામલે ખેડૂતો કોંગ્રેસ નાં સથવારે શનિવારે ધરણાં પ્રદર્શન ઉપર બેસવાના હતા. જોકે પોલીસ ઍ ધરણાં ઉપર બેસવા નહીં દેતા મામલો મામલતદાર કચેરી પહોંચ્યો હતો. જ્યાં લાંબી રકઝક બાદ ઍલ ઍન્ડ ટી કંપની ઍ વળતર ચુકવવાની ખાતરી આપતા હાલ પૂરતું આંદોલન સમેટાયું હતું. બુલેટ ટ્રેન પ્રોજેકટ ની કામગીરી માટે ગણદેવી તાલુકા ના નાંદરખા ગામનાં ખેડૂતો ઍ ઍલ ઍન્ડ ટી કંપનીને ભાડુઆત તરીકે જમીન આપી હતી. જેમાં ખેડૂતો ઍ કંપની ઉપર શરતો નું પાલન ન કરી છેતરપીંડી કરી હોવાના આક્ષેપ કર્યા હતા. ખેડૂતો ની પરવાનગી વિના ૨૫ થી ૩૦ ફૂટ ઉંડે સુધી માટી ખનન, ભોંય તળીયા માં સિમેન્ટ કોન્ક્રીટ, ઉંડા ખાડા માં પાણી નો ભરાવો જેવા આક્ષેપો સાથે ગત ૬ નવેમ્બર ૨૦૨૩ નાં રોજ ગણદેવી મામલતદાર ને આવેદન પાઠવી વળતર માંગ કરી હતી. અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં વળતર નહીં ચૂકવાતા ત્રણ દિવસ અગાઉ ખેડૂતો ઍ કોંગ્રેસ નાં સથવારે પ્રતીક ધરણાં પ્રદર્શન માટે મામલતદાર પાસે પરવાનગી માંગી હતી. અને નાંદરખા ગામે ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં શનિવારે ધરણાં પ્રદર્શન માટે ૪૦ થી વધુ ખેડૂત પરીવાર ઍકત્ર થયા હતા. તે વેળા બીલીમોરા પોલીસે પરવાનગી નહીં હોવાનો સુર હેઠળ પ્રતિક આંદોલન ઉપર બેસવા દીધા ન હતા. પરીણામ ઍ કાફલો મામલતદાર કચેરી ઍ પહોંચ્યો હતો. જ્યાં લાંબી રકઝક બાદ ઍલ ઍન્ડ ટી કંપની નાં પ્રતિનિધિ અને અસરગ્રસ્તો વચ્ચે સુખદ સમાધાન થયુ હતું. જેમાં ખોદકામ ને પગલે જમીન, મકાન, વૃક્ષ ને નુકશાની પેટે વળતર ચૂકવવાની ફરી ઍકવાર ખાતરી અપાઈ હતી. જેને પગલે હાલ પૂરતું આંદોલન સમેટાયું હતું.બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કામ કરતી ઍલ ઍન્ડ ટી કંપની ઍ કામદારો માટે રહેઠાણ મકાન બનાવી દીધા છે. જ્યાં બે હજાર જેટલા લોકો રહે છે. તેમ છતાં ગ્રામ પંચાયત ને પણ ઍક પણ રૂપિયો વેરા તરીકે ચૂકવતી નથી. અનેક અરજી અને રજુઆત છતાં કાયદાનો અમલ કરાતો ન હોવાનું સરપંચ ચંદ્રકાન્ત પટેલ ઍ જણાવ્યું હતું.