Vishesh News »

કાવ પૂનિમ

ચસ્મે બદૂર કશ્મીર ડો. રાધિકા ટીક્કુ, વલસાડ કાવ પૂનિમ પ્રકૃતિને જોડતો ઍક સુંદર તહેવાર છે. જેમાં વૈવિધ્યતા ભરી છે. ઠંડી ખૂબ થોડી જ અસરવા લાગે. સૂરજનો કોંકણવરણો તડકો ઍનું રૂપ નિખારતો હોય ત્યારે આખી પ્રકૃતિ કેટલી બધી સુંદર લાગતી હોય છે. સૂર્યના રૂપેરી કિરણો પર્ણો પર જામેલા બરફીલા બિંદુઓમાંથી પ્રવેશતા હોય છે ત્યારે તો અનેરો ઉજાસ તો પથરાય જ.. પણ, ખીલતા જીવનમાં જોમ, ઉત્સાહનું મોજું ફરી જાય ને આખા ઘરમાં હવે વસંત આવશે, વસંત આવશે ઍવા ખુશીના આગમનના તોરણ બંધાતા જાય. મોસમ ખીલી રહી છે. ખરેખર, જીવનમાં વિવિધતા ખૂબ અગત્યની છે. જેનાથી જીવનમાં સુંદર કલાત્મક છાપ ઊભરે છે. આ તહેવારમાં બાળકો પણ જોડાય છે અને ખાસ તો કાવ પોટુલ બનાવે છે. તે પણ ઍક હસ્તકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. ઘર અને વાતાવરણમાંથી પ્રા થતી સામગ્રીઓ જેવી કે સૂકા ઘાસ, લાકડીના નાના દંડાઓ, દોરી વગેરેથી નૈવેદ્ય ધરાવવાનું ઍક પવિત્ર પાત્ર બનાવાય છે જેને કાવ પોટુલ કહેવાય છે. આ પાત્રને ચમચી જેવું ચતુષ્કોણ આકારનું બનાવાય છે. દર્ભ ઘાસનો પણ અહીં વિશેષ ઉપયોગ થાય છે. કારણ કે તે પૂજામાં પવિત્ર ગણાય છે. છતની ઉપર બાજુઍ અથવા અગાસી પર આ પાત્ર કાગડાના જમવા માટે મૂકવામાં આવે છે. જેમાં રાંધેલું ધન મૂકવામાં આવે છે. કાગડો પક્ષી ઍ આપણા રોજિંદા જીવનમાં જોડાયેલું પક્ષી છે. સામાન્ય રીતે વહેલી સવારે આંગણામાં કાગડો કા કા કરે ત્યારે જરૂર ઘરમાં અવશ્ય અતિથિનું આગમન થાય છે અને આપણે તો મહેમાન જોતા જ ખુશીના આંસુઓ સાથે બોલી ઉઠીઍ છીઍ. મને થતું જ હતું કે આ સવાર સવારમાં કાગડો બોલ્યો ને આજે કોઈ મહેમાન મારા ઘરે આવશે અને ખરેખર બહુ સારું થયું કે તમે આવ્યા અને આપણે તો હર્શભરી આંખોથી મહેમાનોની સરભરામાં આનંદચિતથી પ્રફુલ્લિત થઈ જઈઍ અને કાગડાને યાદ કરતા રહીઍ છીઍ. હા, ઍમ પણ, આપણી કહેવતોમાં પણ કાગડો જોડાયેલ છે જ. જેમ કે રંગ તો ભાઈ કાગડા જેવો .. કાગડો દહીંથરું લઈ ગયો... કાગડો ચાલે હંસની ચાલ ઍમ તો કાગડાને આપણે સફાઈ પક્ષી તરીકે પણ ઓળખીશું. વળી ઍ ઉદ્યમી પણ ખરાં. કોયલ રાણી તો વળી ઍવા શાણા કે કાગડાભાઈઍ તૈયાર કરેલા નવા નકોર માળામાં વિના પરવાનગીઍ બિન્દાસ ઈંડા મૂકી આવે અને બિચારો કાગડો કેવો કે, ઍની દાદાગીરીને સહન કરી લે છે. ધરતી પર ક્યાં પણ જઈઍ તો કાગડો ચોક્કસ જોવા મળે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો કાગડાનું મહત્વ છે. સોળ શ્રાદ્ધનો તહેવાર પણ આ કાગડા પક્ષીને જ અર્પણ કર્યો છે ને ઍનું પણ વિશેષ વૈજ્ઞાનિક મહત્વ છે. કાવ પૂનિમ ઍ કાગડાને સાંકળીને ઉજવાતો તહેવાર છે અને વિશિષ્ટ છે. વર્ષો પહેલાં પંડિતો જ્યારે કશ્મીરની ખીણમાં નિવાસ કરતા ત્યારે આલિશાન ઘરોમાં સહકુટુંબ સંયુક્ત કુટુંબમાં જીવન જીવતા અને રસોડાની નજીક જમણી બાજુઍ લાકડાની સુંદર જગ્યા રાખતા. જેમાં ભોજન બન્યા પછી સૌપ્રથમ પક્ષીઓને માટેનો ભાગ બહાર રાખતા અને પક્ષીઓને પહેલા આપતા પછી જ ભોજન જમતા હતાં. સામાન્ય રીતે કશ્મીરી સ્ત્રીઓ ભોજન બનાવીને તરત જ પક્ષીઓ માટે રાખતા અને પોતે ચાખીને પણ નહીંને ઍને અશુદ્ધ કરતા નથી. ઘરના રસોડાની બહાર જમણી બાજુઍ દરવાજા પાસે કાગબથ નામની ઍક વિશિષ્ટ લાકડાની અભરાઈ બનાવતા અને જેમાં અચૂક દરરોજ જે પણ રસોઈ બને તે સૌ પ્રથમ પક્ષીઓ માટે ખાવાનું રાખતાં. ઍક લોકવાયકા મુજબ કાકભૂષંડીની કથા પણ અહીં જોડાયેલ છે. કાગડો પક્ષીની ગણતરી જિજ્ઞાસુ અને બુદ્ધિશાળી પ્રાણીની ગણતરીમાં થાય છે.. કાગડાને શનિનું વાહન પણ માનવામાં આવે છે અને તે યમ અને ધર્મરાજનું પણ પ્રતિનિધિત્વ કરે છે. કાગડા દ્વારા પૂર્વજોને યાદ કરવાની અને તેમનો આભાર માનવાની આપવી. ઍ પરંપરાનું પ્રતીક ઍ કાગ પૂનમનો તહેવાર છે. ઍમ પણ હિન્દુ સમાજમાં પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે. દરેક પૂર્ણિમાને ઍક વિશિષ્ટ નામ પણ આપવામાં આવ્યું છે. કાવ પૂનિમ ઍ શુક્લ પક્ષની માધ મહિનાની પૂર્ણિમાના દિવસે કાગડાની પૂજા કરીને આ તહેવારની ઉજવણી કાશ્મીરી પંડિતો કરે છે. આ દિવસ તો કાગડાનો જન્મદિવસ તરીકે ઉજવે છે. આ ખૂબ જ નવાઈની વાત આપણને લાગે છે. હજારો વર્ષ પહેલા સર્ષિ પંચાંગ મુજબ કશ્મીરી પંડિત પૂર્વજોઍ વરસનો ઍક દિવસ ફક્ત કાગડાનું મહત્વ અર્પણ, પૂજન માટે રાખ્યો. ત્યારથી કાવ પૂનિમનો દિવસ કાગડા માટે રાખ્યો છે. પૂર્વજોઍ આ કાગડા પક્ષીને ખૂબ મહત્વ આપ્યું. કાગડો પક્ષી ક્યારેય ઍકલો ખાવાનું ખાતો નથી. જમતી વખતે દરેકને બોલાવીને સમૂહમાં જ જમે છે. વળી ઍ સફાઈનું પણ પ્રતીક છે. આખા પર્યાવરણની સફાઈ પણ સતત કરતો રહે છે. શ્રમનો સંદેશો પણ કાગડો પાઠવે છે. મનુષ્યે સતત શ્રમ કરીને સમુહજીવન જીવવું જોઈઍ.. કાગડો જ ઍક ઍવું પક્ષી છે કે જે ધરતી અને પિતૃવાહક લોક માટે સંદેશવાહકનું કાર્ય કરે છે અને આપણે આપણા પૂર્વજોને તો જરૂર યાદ કરવું જ જોઈઍ. કશ્મીરના સૌથી પ્રાચીન નીલ પુરાણ ગ્રંથમાં કાવ પૂનિમની ઉત્પત્તિ અને રહસ્ય સુંદર રીતે વર્ણવ્યું છે. કશ્મીરી પંડિતોનો પ્રકૃતિ પ્રકૃતિના તત્વો પક્ષીઓ તરફ પણ ખૂબ જ કરુણા ભાવ કાવ પૂનિમના તહેવાર પાછળ કરુણા ભાવ સૂચવે છે. તે દિવસે ઘરની સ્ત્રીઓ ઘરની સફાઈ અને રસોડું સ્વચ્છ કરીને કાગડા માટે વિશિષ્ટ ભોજન તૈયાર કરે છે. જેમાં ખીચડી, તહર, પીલા ચામન કાગડા માટે બનાવે છે અને આખો પરિવાર આનંદ ઉત્સવમાં રહીને ગીતો પણ ગાય છે અને નાના બાળકો દ્વારા જ કાગડાને ભોજન અર્પણ કરવામાં આવે છે. આ ગીતો પાછળના અમુક શબ્દો માણીઍ. ઓ ચતુર કાગડા, ઓ ખીચડી પ્રેમી કાગડા અમારા નવા ઘરે આવ તારી પત્ની સાથે છજા ના કિનારે આવીને બેસ અને નમકીન ખીચડી ખા. આજે તો તારો જન્મદિવસ છે. ઘરમાં વિશેષ બનાવેલ કાગ પોટુલ પાત્રમાં કાગ માટેનું ભોજન લઈને બાળકો નાના બાળકો કાગડાને મનાવીને ગીતો ગાય છે અને ઍમાં ખૂબ જ સ્નેહ પ્રેમથી આદરીને કશીર ભાષામાં ઍવું મીઠું ગીત ગાય છે કે, કાગડાભાઈને પણ ખૂબ મજા પડી જાય છે અને તે પણ કા કા કરીને આજુબાજુ આવી પણ જાય છે. બાળકોની પાછળ પરિવારના અન્ય સભ્યો વડીલો પણ સાથે ઊભા રહીને આનંદથી આ તહેવાર ઉજવે છે ખરેખર, આવી ધાર્મિક વિધિના સંસ્કારો બાળકમાં ઉતરે તો બાળકને સાચું ધાર્મિક, આધ્યાત્મિક જ્ઞાન પણ મળે. સંસ્કારી તો ચોક્કસ બને પણ પર્યાવરણ સાથે જોડાઈને પ્રકૃતિનું સંવર્ધન કરી શકે. વળી, કૌટુંબિક ભાવના પણ ઍની જળવાઈ શકે. વ્યક્તિ, સૃષ્ટિ અને સમષ્ટિ પ્રત્યે વધુ સંવેદિત બની સ્વકેન્દ્રિત નહીં બને પણ આખું વિશ્વ ઍક નીડ બને અને પ્રકૃતિમય જીવન બને. સહકુટુંબ જીવનની પણ અહીં પ્રેરણા મળે અને આ આખું વિશ્વમાં ફક્ત માનવ જ કેન્દ્રસ્થાને નથી પણ ઈશ્વરે બીજા પ્રકૃતિને તત્વો પણ બનાવ્યા છે અને ઍનું પણ પોષણ કરવું જોઈઍ ઍવી ભાવના ઉત્પન્ન થાય. બાળકોના કાલી ઘેલી ભાષાના ગીતો કાવ ભટ્ટ કાવો ખીચડી કાવો ગંગબલ શ્રાન કરીથ ગૃયે મેચે ત્વોકા કરીથ વલભા સાનેય લરિય પયેથ દાલ બત્ત ખાયેન આ કાલીઘેલી કાશ્મીરી ભાષામાં બાળકો ઍવું કહે છે કે ઓ વિદ્વાન કાગડા ઓ, આ દાળ-ભાતની ખીચડી ખાઓ પણ, પહેલા તો ગંગબલના સરોવરમાં સ્નાન કરીને કપાળે તિલક કરીને મારા ઘરે મિજબાની કરવા આવ. કશ્મીરમાં ગંગબલ ઍક સરોવર છે જેમાં બારેમાસ પાણી રહે છે અને પિતૃઓના શ્રાદ્ધ અર્પણ માટેનું ઍ પવિત્ર સરોવર છે. ત્યાં પિતૃઓ માટેની પૂજા ગંગા અષ્ટમીના દિવસે વિશેષ રૂપે કરવામાં આવે છે. નીલ પુરાણમાં આ કાઉ પૂનમ વિશે નો સંદેશો પણ ખુબ સુંદર રીતે છે કે પૂર્ણમસ્ય તુ માઘસ્ય શ્રધ્ધામ કૃત્વા તિલર નરવાહ કાફનામ ભોજનમ દદ્દયત પ્રભૂત્તમ બલી સંયતમ માઘ પૂર્ણિમાના દિવસે તલ વડે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરવું જોઈઍ અને ત્યારબાદ કાગડાઓને પુણ્ય પ્રસાદ તરીકે પૂરતું ભોજન આપવું જોઈઍ. ઍમ પણ ભારત દેશમાં દરેક તહેવારોનો પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો હોય જ છે. કશ્મીરી પંડિત સમુદાયમાં માઘી પૂનમ ઍટલે કે કાવ પુનિમ દિવસે સત્યનારાયણની કથા પણ ઘરમાં કરવામાં આવે છે. આપણા પૂર્વજોઍ મનુષ્ય જીવન સાથે પ્રકૃતિના તત્વોને જોડીને તહેવારોનું વૈજ્ઞાનિક કારણ આપ્યું છે, ઍને સનાતન ધર્મની વિશેષતા ગણીને ઉજવવું જોઈઍ. આજે વિસ્થાપિત કશ્મીરી પંડિતો શહેરોમાં વસીને પણ આ તહેવાર બાળકોને પાસે ઉજવે છે જે ગૌરવની વાત છે.