Vishesh News »

જાત સાથે થોડી વાત કરવા જેવી છે

નોખી-અનોખી - કિંજલ પંડ્યા, પારડી જ્યારે તમે નક્કી કરો છો ને કે તમારે બદલાવું છે ત્યારે તમને કોઈ જ નથી રોકી શકતું. તમારી સાથે સાથે તમારી આસપાસ પણ બધું જ બદલાય જાય છે. વળી, બદલાવ ઍ સંસારનો નિયમ છે તો પછી આપણામાં બદલાવ પણ આવકાર્ય અને સ્વીકાર્ય જ છે ને! પોતાનામાં બદલાવ લાવવા માટે દુનિયાથી નજર ફેરવીને આપણે આપણી નજર આપણાં તરફ કરવી પડે. આપણે આપણી સાથે મિત્રતા કરવી પડે. આપણે આપણી સાથે જ સંવાદો કરતાં શીખવું પડે. અને પછી ઍમાંથી તારણ કાઢીને બદલાવાનું શરૂ કરી શકાય. સહેલું છે. આપણે ધારીઍ ઍટલું અઘરું તો નથી જ. આ બદલાવ ચોક્કસ જ ગમે ઍવો છે. શું જાત સાથે વાત શક્ય છે??તો.. હા, કેમ નહીં? લોકો સાથે અસંખ્ય વાતો કરીઍ છીઍ. ન બોલવાનું બોલીઍ છીઍ. બોલ્યા વિના ચાલતું જ નથી. બોલીને બગાડીઍ છીઍ અને સુધારીઍ પણ છીઍ. ત્યારે આ બોલકણો સ્વભાવ આપણને પોતાનાં માટે કામ લાગી શકે ઍમ છે. જે શાંત સ્વભાવના છે, ઓછા બોલકા છે અથવા તો બધું જોઈ, કરીને,માપીને, વિચારીને, તોલીને બોલવા વાળાં લોકો છે,ઍ લોકો પણ અંદરો અંદર પોતાની સાથે તો વાતો કરતાં જ હશે ને!? લોકો સાથે તારી - મારી ને બીજાની વાત કરવા કરતાં આપણી સાથે જ વાત કેમ ન કરીઍ!? જાત સાથે સંવાદ સંધાય ત્યારે સાચી ખામીઓ કે તારણો બહાર આવે છે. અને ત્યારે ખ્યાલ પણ આવે છે મોટાભાગે ગેરસમજ આપણી જ થઈ હોય છે. અથવા તો આપણે બોલવામાં ઉતાવળ કરી નાખી હોય છે. ઍ સમયથી જ આપણે પણ થોડું અટકી જતાં શીખી જઈઍ છીઍ. લોકો સાથે બોલીને વાદવિવાદ કરવા કરતાં પોતાની જાત સાથે જો સંવાદ સર્જાતો હોય તો જીવન સહેલું, સુંદર અને સરસ બની જાય ઍમ લાગે! આપણને આપણી અંદર ઝાંખી શકતાં આવડી જાય તો બહાર સઘળું સુંદર, સંતોષ જનક, સહેલું, સુવાસિત જ લાગવાનું. જરૂર છે તો આપણે આપણી સાથે વાત કરવાની. ઘણી ઍવી વાતો હોય કે ઘટનાઓ હોય છે જે આપણે કોઈને કહી જ નથી શકતાં. વળી સહન પણ નથી જ કરી શકતાં. ઍવા સમયે જાત સાથે સંવાદ આપણને સરળ માર્ગ સુજાડે છે. ત્યારે દુનિયાથી અલગ થયા વિના આપણે આપણી સાથે મજા માણતાં થઈ જઈઍ છીઍ. ત્યાર પછી આપણને બીજા લોકોની વધુ જરૂર નહીં પડે! લોકો કહેશે જ કે તમે થોડા બદલાયેલા લાગો છો? પહેલાં આવા તો ન હતાં! વગેરે વગેરે.. પરંતુ તમે જાણશો કે તમે નહીં પરંતુ તમારી અંદર કશું બદલાયું છે. જે મળે છે ઍ આપણું સૌભાગ્ય ઍવું સમજી સંતોષ માનીઍ તો અહીં જ સ્વર્ગ છે. નહીં તો કરોડપતિના ઘરમાં પણ નર્કનો અનુભવ થાય છે.આપણે આપણાં શિક્ષક બનવા જેવું છે. ઘણું બધું ઍવું છે જે બીજા નહીં પણ આપણે જ આપણામાં બદલી શકીઍ ઍમ છે. જે દિવસ, જે ક્ષણે આપણે આપણો સ્વીકાર કરીશું, પોતાની જાતને માન આપતાં શીખીશું, પોતાને શાબાશી આપતાં શીખીશું, પોતાનું જ સન્માન કરીશું, આપણાં આતમનો અવાજ ઓળખતા થઈ જઈશું ને ઍ દિવસે આપણે ખરા અર્થમાં જીવીશું. આ બધા જ માટે જાત સાથે સંવાદ ખૂબ જરૂરી બની રહે છે. આમ પણ પોતાની જાતને માન આપવાથી આત્મસન્માનમાં વધારો જ થાય છે. જીવન છે સુખ અને દુઃખનું ચક્ર ચાલતું જ રહેવાનું. ઍ ચક્રમાંથી ખુદ ભગવાન પણ બચી નથી શકૂતા તો પછી આપણે તો સામાન્ય માણસ જ છીઍ ને! મૌન નો અર્થ જ વિચાર છે! ઍવું ઓશો કહે છે. જ્યારે પણ તમને ઍકલું લાગે ત્યારે સમજી લેવું કે ભગવાને આપણને પસંદ કર્યા છે તેથી તમને ભીડમાંથી કાઢીને ઍકલાં કરી દીધા છે. ઍ કહે છે કે ફક્ત તું જ છે મારા માર્ગનો મુસાફર અને જ્યાં હું છું ત્યાં જ તારી મંઝિલ છે. ઓશોના આ ઍકે ઍક શબ્દોમાં આપણને સ્વ- સ્વીકાર અને સ્વ-સંવાદના દર્શન થાય છે. સુખ અને દુઃખ ઍ માણસના જીવનનાં હિસ્સા જ છે. તેથી ઍને આપણે પોતે જ સાંભળવા પડે, સાચવવાં પડે, સમજવા પડે, સુલઝાવવા પણ પડે! પછી ભલેને ઍ આપણને ગમે ઍટલા સતાવે. સુખ અને દુઃખની ચાવી બીજાને શું કામ આપીઍ?? કોઈ આપણી સાથે વાત કરે, આપણી સાથે રહે, આપણને પ્રેમ કરે, સારું બોલે તો જ આપણે ખુશ અને સુખી કહેવાઈઍ? નહીં તો દુઃખી? ઍવું કેમ? બીજા પાસે આશા રાખવા કરતાં પોતાની જ આશા કેમ ના રાખીઍ? ક્યારેય નિરાશ નહીં જ થઈઍ! આપણે ભૂલ કરીઍ ત્યારે ભૂલ સ્વીકારી પોતાની જાતને જ ઠપકો આપવો અને સારું કરીઍ ત્યારે શાબાશી પણ આપવી જ જોઈઍ. આ બધાથી જ ઉપર આપણે આપણી જાતને ખુશ રાખવાનું વચન આપવું જોઈઍ ઍનાથી મોટું ગિફટ આપણાં માટે આ દુનિયામાં કશું નથી! ઍથી ચોક્કસ જ ઍમ કહી શકાય કે, સ્વ સાથે સંવાદ શક્ય છે...! જાત સાથે વાત કરી લઈઍ! પોતાની સાથે જે મિત્રતા થાય છે ને તે મિત્રતા આજીવન અકબંધ રહે છે. ચાની ટપરી પર ઍકલા બેસીને, પોતાની સાથે, પોતાની જાતને માણી તો શકાય જ ને! આપણા મિત્રની જેમ જ શું આપણે પણ આપણા માટે જ બે ચા ન પી શકીઍ!? જરૂર છે તો ફક્ત ઍક જ... આપણામાંથી આપણને બહાર કાઢવાની! પછી જે આપણો આપની સાથે સંવાદ સર્જાય છે ને તે જોરદાર જ હોવાનો! આ જીવાતા જીવન દરમિયાન સૌને પોતપોતાની જાત મળે ઍ જ શુભકામના!