Vishesh News »

ડાંગમાં રૂ. ૬૦૦ લાખના ૧૯ ગ્રામીણ માર્ગોને મંજુરી

આહવા, તા. ૦૧ ઃ ડાંગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વધુ ૧૯ જેટલા માર્ગો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી, જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. ડાંગ જેવા દુર્ગમ વિસ્તારના વાહન ચાલકો અને પ્રજાજનોની માંગણીને વાચા આપતા, ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્વારા, સરકાર કક્ષાઍથી ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ખાસ મારામત સદર હેઠળ ૧૫ જેટલા માર્ગો, અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બીજા ચાર જેટલા માર્ગો મળી કુલ-૧૯ માર્ગોના કામો મંજુર કરાવ્યા છે. ધારાસભ્ય તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કુલ-૧૫ જેટલા ગ્રામ્ય માર્ગો કે જેની કુલ લંબાઈ ૧૯.૯૦ કિલોમીટર, અને અંદાજીત રકમ રૂ.૫૦૦ લાખ જેટલી થવા જાય છે, તે સને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ખાસ મરામત (૩૦૫૪) સદરે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સને ૨૦૨૩-૨૪ દરમિયાન મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ બે કિલોમીટરની લંબાઈના ૪ માર્ગો રૂ. ૧૦૦ લાખના ખર્ચે મંજુર કરી, જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. આમ, ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનો માટે ખૂબ જ ઉપયોગી ઍવા આ ગ્રામીણ માર્ગો મંજૂર કરીને, રાજ્ય સરકારે અહીંના પ્રજાજનોની લાગણી અને માંગણી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે, તેમ નાયબ દંડક વિજયભાઈ પટેલે ઍક ટેલીફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું.