Vishesh News »

જીલ્લામાં માત્ર ૧૮ દિવસમાં ૧૩૪ રકતપિત્તના દર્દીઅો શોધાયા ઃ ૧૦ બાળદર્દી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરીના રોજ ઍન્ટી લેપ્રેસી દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના ગામડાઓમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં તમામ લોકોને રક્તપિત રોગ વિશે જાણકારી મળે તેમજ રક્તપિતના દર્દીઓને પણ લોકોનો સાથ સહકાર મળે જેથી રક્તપિત્તનાં દર્દીને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી. રક્તપિતના દર્દીઓ પ્રત્યે કોઈ ભેદભાવ રાખશુ નહી અને આ રોગને નાબૂદ કરવા માટે દર્દીઓને શોધી સારવાર કરાવીશું ઍ અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તા. ૩૦/૦૧/૨૦૨૪થી તા. ૧૩/૦૨/૨૦૨૪ દિન-૧૫ દરમ્યાન સ્પર્શ લેપ્રેસી અવરનેસ કેમ્પેઈનની કામગીરી કરવામાં આવશે. સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં આરોગ્ય તંત્ર સતત કટિબદ્ધ છે. તા. ૧ થી તા.૧૯ જાન્યુ. સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૭૫૭ જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ઍક પુરુષ વોલન્ટીયર અને ઍક આશા વર્કરનો સમાવેશ કરાયો હતો. તેમના દ્વારા સર્વે કરી રક્તપિત્તના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી કરાઈ હતી. આ ઝુંબેશમાં જિલ્લામાંથી રક્તપિતના ૧૩૪ નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ૬૮ ચેપી અને ૬૬ દર્દીઓ બીનચેપી રક્તપિતના મળી આવ્યા હતા. જે પૈકી ૧૦ બાળ દર્દી હતા. આ તમામની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે.વલસાડ જિલ્લા રક્તપિત અધિકારી ડો.જયશ્રી ચૌધરીઍ જણાવ્યું કે, હાલમાં રક્તપિતના નવા ૧૩૪ દર્દી શોધવામાં સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવાઈ છે. આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે પરંતુ નિયમિત સારવાર લેવી પડે છે. ચેપી રક્તપિતમા ૧૨ માસ ઍટલે ઍક વર્ષ અને બીનચેપી રક્તપિતમાં ૬ માસ સારવાર જરૂરી છે.