Vishesh News »

જીલ્લાના હાઈવે પર ચાલકો ૧૨૦થી ૧૩૦ની ઝડપ વગર વાહન હંકારતાં નથી !

(દમણગંગાટ ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૦ ઃ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- ૨૦૨૪ અંતર્ગત વલસાડ આરટીઓ કચેરીની ટીમ દ્વારા હાઈવે ઉપર થતા જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. વલસાડ આરટીઓ અધિકારી ઍન.ઍચ.ગજેરાઍ જણાવ્યું કે, નેશનલ હાઈવે પર ૧૦૦ની સ્પીડ અને સ્ટેટ હાઈવે ઉપર ૮૦ની સ્પીડ મર્યાદામાં વાહન હંકારી શકાય છે. તેનાથી ઉપરની સ્પીડમાં પૂરપાટ ઝડપે પસાર થતા ઓવર સ્પીડવાળા વાહન ચાલકો પોતાનો તેમજ અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકતા હોય છે. આવા વાહન ચાલકોને ઈન્ટરસેપ્ટર સ્પીડ ગન મારફતે પકડવાની વિશેષ ઝુંબેશ રાખવામાં આવી હતી. જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા કુલ ૪૦ ચલણો વાહન ચાલકોને આપવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર રાખવામાં આવેલી આ ડ્રાઈવમાં ફોર વ્હીલર વાહન ચાલકોની સ્પીડ ૧૨૦ થી ૧૩૦ વચ્ચેની જોવા મળી હતી. જેથી તેઓને દંડ ફટકારી ટ્રાફિકના નિયમો અને પોતાનું તેમજ અન્ય લોકોના અમૂલ્ય જીવનનું મહત્વ સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઓવર સ્પીડમાં જતા ટુ વ્હીલર, થ્રી વ્હીલર વાહનને રૂ. ૧૫૦૦, ફોર વ્હીલર વાહનને રૂ. ૨૦૦૦ અને ટ્રક- ટેમ્પો સહિતના ટ્રાન્સપોર્ટેશનના વાહનોને રૂ. ૪૦૦૦નો દંડ ફટકારવામાં આવે છે. વલસાડ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા રાખવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઈવને લઈ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.