Vishesh News »

ડાંગમાં ભાભીને ડાકણ કહી હેરાન કરતાં અભયમ મદદે આવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૩૦ ઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં નજીકના ઍક ગામમાં નણંદ દ્વારા ભાભીને ડાકણ કહીને હેરાનગતિ કરતી હતી.તેમજ ‘તું અપશકોની છે તારે ફક્ત દીકરીઓ જ છે,તને દીકરો થતો નથી તારી દીકરીઓનો આ ઘરમાં કોઈજ હક્ક નથી’ ઍમ કહી નણંદ દ્વારા ભાભીને ત્રાસ આપવામાં આવતો હતો.જે બાદ ૧૮૧ અભયમ ટીમ મદદે પહોંચી હતી. આહવાનાં નજીકનાં ઍક ગામમાં ઍક મહિલાના પતિ રાજસ્થાન ખાતે નોકરી અર્થે ગયા છે. અને તેઓને ત્રણ દીકરીઓ છે. ત્રણ દીકરીઓ સાથે પીડિત મહિલા ઘરે જ રહેતા હતા. તેમજ તેમની સગી નણંદને પણ ઍક દીકરો છે. જે પીડિત મહિલા સાથે ઘરે રહેતા હતા.પરંતુ નણંદ વારંવાર પીડિતાને કહેતા હતા કે, ‘તું ડાકણ છે ઍટલે માટે જ તારે દીકરીઓ છે અને દીકરો થતો નથી.’ આ રીતે નણંદ દ્વારા ભાભીને હેરાન કરવામાં આવતી હતી.જે બાદ પીડિત ભાભીઍ આખરે કંટાળીને ૧૮૧ અભયમ ટીમનો સંપર્ક કરીને મદદ માંગી હતી. ત્યારબાદ અભયમ ટીમના નેહા મકવાણા અને ચંદન પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.અને નણંદ - ભાભી નું સઘન કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.તેમજ પિતાની સંપતિમાં દીકરીનો પણ ઍટલો જ હક્ક છે કે જેટલો દીકરાનો અને દીકરી દીકરો ઍક સમાન છે નું જણાવ્યુ હતુ.અંધશ્રદ્ધા રાખીને ઘરમાં ઝઘડો કરવો નહીં સાથે હળી મળીને રહેવાની સલાહ સૂચન આપ્યું હતુ.તેમજ ડાકણ કહેવું તે કાયદાકીય રીતે ગુનો બને છે તેવું સલાહ સૂચન આપીને નણંદ ભાભી નો સંબંધમાં તિરાડ પડે નહીં તે રીતે ઝઘડાનો સમાધાન કરાવ્યું હતુ.આ સમાધાન બાદ પીડિત મહિલાઍ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી.