Vishesh News »

રોટરી વાપી ફોનિક્સ દ્વારા મિલિંદ સોમેન સાથે યોગાથોન યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃ રોટરી વાપી ફોનિક્સ દ્વારા વાપી યોગાથોનનું આયોજન કર્યું હતું. આ આયોજનનો હેતુ ગ્રામીણ મહિલાઓને વ્યાવસાયિક તાલીમ આપીને આર્થિક રીતે સશક્ત કરવા માટે ભંડોર ઉભુ કરવાનો હતો. તેમનો પ્રોજેક્ટ કૌશલ્યા ગ્રામીણ મહિલાઅોને મહિલાઓને ૩ અને ૬ મહિના માટે મફત સીવણ વર્ગો મારફતે કૌશલ્ય કેળવી રોજગારી માટે સક્ષમ કરવાનો છે. આ યોગાથોન જીઍમ બિલખીયા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. જેમાં લગભગ ૧૦૦૦ સહભાગીઓ ઍકઠા થયા હતા. જયાં ફિલ્મ અભિનેતા, મૉડલ અને ફિટનેસ ઉત્સાહી મિલિંદ સોમન અને તેમની પત્નીઍ યોગ ગુરુ અંકિતા કોંવર સાથે યોગ સત્ર કર્યું હતું અને રોજિંદા જીવનમાં યોગ પ્રેક્ટિસને સામેલ કરવા અનુરોધ કર્યો હતો. મિલિંદ સોમને કાર્યક્રમમાં સામેલ સહભાગીઅો સાથે વાર્તાલાપ કર્યો અને તેમને સ્વસ્થ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે ટીપ્સ આપી હતી. આ યોગાથોન દરમ્યાન શ્રુતિકા રાવે લોકોને ટૂંકા ગાળામાં પાવર નેપ વડે શરીરને શક્તિ આપવા માટેની ટેકનિક શીખવી હતી. આ યોગાથોનને સફળ બનાવવા રોટરી વાપી ફોનિકસના ઈવેન્ટ ચેરમેન રાજીવ સારાયનના માર્ગદર્શન હેઠળ વિશાલ નાડકર્ણી, હિમાંશુ ગર્ગ, તેજલ ટેલર, મેરાજ જસાણી, ડો. અમીષા મહેતા, પૂનમ ધૂત, હેમંત પ્રજાપતિ અને ટીમ ફોનિક્સના નેતૃત્વમાં અથાક મહેનત કરી હતી.