Vishesh News »

દેવસરના નવનાથ ધામમાં નવચંડી યજ્ઞ યોજાયો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૨૫ઃ બીલીમોરા નજીક આવેલા દેવસર નવનાથ ધામના વર્તમાન સમયના ગાદીપતિ પરમ પૂજ્ય છોટેદાદા દ્વારા શાકંભરી નવરાત્રી દરમિયાન નિયમિત શાકંભરી માતાની પુજા, અર્ચના અને અનુષ્ઠાન કરાઈ હતી. ગુરુવારે શ્રી શાકંભરી નવરાત્રી પર્વના પૂર્ણાહુતી અવસરે શ્રી નવચંડી યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યાગમાં છોટેદાદાના સાનિધ્યમાં ૫૧ જોડાઓઍ પૂજા અર્ચનામાં બેસીને ભક્તિમાં લીન તરબોળ બન્યા હતા. દેવસર નવનાથ ધામમાં ગુરુવારે આયોજિત નવચંડી યાગમાં ૫૦૦૦ જેટલા ભક્તોઍ અભિમંત્રિત વિશેષ કાષ્ઠ યજ્ઞમાં હોમી મનોકામના પૂર્તિ, પ્રેત બાધા નિવારણ, ધંધામાં વૃદ્ધિ અર્થે બે હાથ જોડી પ્રાર્થના કરી હતી. શ્રી શાકંભરી નવરાત્રીના પાવન અવસરના મહત્વ વિશે પૂજ્ય છોટેદાદા ઍ જણાવ્યું હતું કે, પોષ સુદ અષ્ટમીથી પોષી પૂર્ણિમાં સુધીના સમયગાળો શાકંભરી નવરાત્રી તરીકે ઓળખાય છે. જ્યારે ધરતી પર સો વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને મુનિઓઍ મનુષ્યોને પીડાતા જોયા ત્યારે તેઓઍ માતાને પ્રાર્થના કરી હતી. પ્રાર્થનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિ જગદંબાઍ સર્વ પ્રથમ શતાક્ષી રૂપે પ્રાગટ્ય કર્યું. હતું. દેહ પરના સો નેત્રમાંથી અશ્રુધારા વરસાવી દેવીઍ સૃષ્ટિને પાણી આપ્યું અને પછી શાકંભરી રૂપ ધરી તેમના શરીરમાંથી ઉત્પન્ન થતાં શાકભાજી દ્વારા વિશ્વનું ભરણ પોષણ કર્યું હતું. દર વર્ષે શાકંભરી નવરાત્રીના મહાભંડારા માટે નવનાથધામ માં સમગ્ર ગુજરાતના ગામ અને શહેર માં વસવાટ કરતા નાથપંથી ભક્તો દ્વારા હજારો કિલો શાકભાજી પહોંચાડવામાં આવે છે. આ વર્ષે પણ ૨૦૦૦ કિલો થી વધુ ૭૨ પ્રકારની અલગ અલગ શાકભાજી નવનાથ ધામમાં આવી હતી. જેમાંથી તૈયાર થયેલા શાકના મહાપ્રસાદનું અનેરું મહત્વ છે. દેવસર નવનાથ ધામ આયોજિત શાકંભરી નવરાત્રી પર્વના ભંડારાનું વિશેષ મહત્વ છે. જેનો લાભ લેવા દૂર દૂરથી નાથભક્તો ઉમટી પડ્યા હતા.