Vishesh News »

વાપી ખડકલામાં પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૦ ઃ વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં રોડ માર્જિનમાં આવતી ખડકલાની ૨૦ થી ૨૫ જેટલી દુકાનો ઉપર પાલિકાના પદ અધિકારીના સમજાવટ બાદ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાતા અહીં હવે ટુ લેનના સ્થળે ફોર લેન રસ્તો રીંગરોડને જોડતો બનાવવાનો છે જેને લઇ ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે. વાપી નગર પાલિકા વિસ્તારમાં કેટલાક સ્થળોઍ રસ્તાઓ સાંકડા હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન ઉદભવી રહ્ના હતો. જેમાં વાપી સુથારવાડ-ખડકલા નામધા તરફ રીંગરોડને જોડતા માર્ગ પર કેટલીક સરકારી અને ખેતીની આદિવાસીઓને જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેવામાં આવી હતી. જે દુકાનોના દબાણનો પ્રશ્ન ઉકેલવવા પાલિકાના પદાધિકારીઓઍ પ્રયાસો હાથ ધર્યા હતાં. ટુ લેનમાંથી ફોરલેન માર્ગ માટે પાલિકાની ટીમે કવાયત હાથ ધરી હતી. સ્થાનિક લોકોને તથા દુકાન માલિકોને આજે પાલિકાના કારોબારી અધ્યક્ષ અને વોર્ડ નંબર ૮ ના સભ્ય મિતેશભાઇ દેસાઇ સહિત પાલિકાની દબાણ હટાવો વિભાગની ટીમ ડિમોલિશન માટે સ્થળ પર પહોંચી હતી. જયાં ૨૫થી વધુ દુકાનો સહિતના દબાણોને જેસીબી મારફતે દુર કરવામાં આવ્યાં હતાં. જેના કારણે રસ્તો ખુલ્લો થયો છે અને આ માર્ગ વાપી દેસાઈથી રીંગરોડ રોફેલ કોલેજ ત્રણ રસ્તાને મળશે જેને કારણે અહીં રોજે રોજ થતી ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળશે. જોકે આ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા ખડકલા વિસ્તારમાં અન્ય દબાણ કરતા તેમજ આદિવાસીઓની ખેતીની જમીન ઉપર કબજો કરી ઘેર કાયદે ચાલ્યો બનાવી દેનારાઓમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો.