નાનાપોઢા વિસ્તારમાં ભટકતા બે મનોદિવ્યાંગ વ્યક્તિઓનું સફળ રેસ્કયુ
- byDamanganga Times
- 10 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૦૯ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા નજીક ચીવલ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા પર ભટકતા બે મનોદિવ્યાંગ વ્યક્તિઓને માનવ પરિવાર ટ્રસ્ટ, પાલીતાણા દ્વારા સફળતાપૂર્વક રેસ્કયુ કરવામાં આવ્યા હતા. આ કામગીરી સ્થાનિક સેવાભાવી આગેવાનો અને રિલીફ ફાઉન્ડેશન ગ્રુપના સંકલનથી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ, ચીવલ વિસ્તારમાં ઍક મહિલા અને ઍક પુરુષ મનોદિવ્યાંગ હાલતમાં રસ્તા પર રઝળતા હોવાની માહિતી મળતા રિલીફ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટના નીરવભાઈ મોરડીયા અને અશ્વિનભાઈ અસલલિયા વહેલી સવારે નાનાપોઢા પહોંચી રેસ્કયુ કામગીરી શરૂ કરી હતી. ટીમે બંને વ્યક્તિઓને સમજાવી શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોઍ પણ સહકાર આપ્યો હતો. બાદમાં ટીમ પોલીસ મથકે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી.ગુજરાતભરમાં મનોદિવ્યાંગ, રઝળતા અને બિનવારસી ભાઈ-બહેનોને આશરો, સારવાર અને સંભાળ પૂરી પાડતી માનવ પરિવાર ટ્રસ્ટની કામગીરીને સ્થાનિક લોકોઍ બિરદાવી હતી. રેસ્કયુ કરાયેલા બંને વ્યક્તિઓને હવે યોગ્ય સારવાર અને સંભાળ માટે સંસ્થામાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.સંસ્થાના સંચાલક ધવલભાઈ ભાયાણીઍ અપીલ કરી છે કે વિસ્તારમાં કોઈ ભટકતી અથવા મનોદિવ્યાંગ વ્યક્તિ નજરે પડે તો લોકો ૯૭૧૨૦૪૯૧૨૬ નંબર પર સંપર્ક કરી માનવતાની કામગીરીમાં સહભાગી બને.
